Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

લોકડાઉનમાં બગડેલું RO કંપનીએ રિપેર ન કર્યુઃ કોર્ટમાં ફરિયાદ કરીને ૧ લાખનું વળતર માગ્યું

મુકેશ ગુપ્તા નામના ગ્રાહકે વોટર પ્યુરિફાયર કંપની સામે કેસ દાખલ કર્યો છે અને નવું વોટર પ્યુરિફાયર ખરીદવા તેમજ તેની જાળવણી માટે થતાં કોન્ટ્રાકટનો ખર્ચ માગ્યો છે

અમદાવાદ, તા.૧૪: લોકડાઉન દરમિયાન એક વ્યકિતનું RO મશીન ખરાબ થઈ ગયું અને કંપનીએ રિપેરિંગ માટે કર્મચારીને ના મોકલ્યા. પરિણામે આ ગ્રાહકે જાણીતી વોટર પ્યુરિફાયર કંપની અને સ્થાનિક સર્વિસ સેન્ટર સામે દાવો માંડ્યો છે. ગ્રાહકે કંપની પાસે ૧ લાખ રૂપિયાનું વળતર માગ્યું છે કારણકે તેઓ બહારથી પીવાના પાણીની બોટલ મગાવતા હતા. રોજેરોજ જુદા-જુદા વ્યકિતઓ તેમના ઘરે પાણીની બોટલની ડિલિવરી માટે આવતા હતા જેના કારણે પરિવારને કોરોનાનું ઈન્ફેકશન થવાનું જોખમ હતું.

મુકેશ ગુપ્તા નામના ગ્રાહકે વોટર પ્યુરિફાયર કંપની સામે કેસ દાખલ કર્યો છે અને નવું વોટર પ્યુરિફાયર ખરીદવા તેમજ તેની જાળવણી માટે થતાં કોન્ટ્રાકટનો ખર્ચ માગ્યો છે. મે મહિનામાં મુકેશ ગુપ્તાના ઘરનું વોટર પ્યુરિફાયર બગડી ગયું હતું. આ એવો સમય હતો જયારે કોરોનાના કારણે લોકડાઉન જાહેર થયું હતું, પરિણામે તેઓ નવું RO મશીન ખરીદી શકે તેમ નહોતા. આ કારણે તેમને જે પરેશાની ભોગવવી પડી તેના વળતર પેટે ૭૫,૦૦૦ રૂપિયાની માગ કરી છે.

મુકેશ ગુપ્તાએ અમદાવાદ ડિસ્ટ્રિકટ કન્ઝયુમર કોર્ટ કમિશનમાં ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, ૨૦૧૭માં ૧૮,૦૦૦ રૂપિયામાં વોટર પ્યુરિફાયર ખરીદ્યું હતું. જુલાઈ ૨૦૧૯માં વાર્ષિક મેઈનટેનન્સ પેટે ૨૫૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. દરમિયાન મે મહિનામાં વોટર પ્યુરિફાયર બંધ થઈ જતાં તેમણે કંપનીમાં ફરિયાદ કરી હતી ત્યારે તેમને અઠવાડિયું રાહ જોવાનું કહેવાયું હતું.

પ્યુરિફાયર રિપેર કરવા માટે ટેકિનશિયન આવે એટલા દિવસ સુધી મુકેશ ગુપ્તાએ પાણીની બોટલો મગાવી હતી. જેની ડિલિવરી માટે રોજરોજ અલગ-અલગ લોકો તેમના ઘરે આવતા હતા. જો કે, કંપની તરફથી સર્વિસ ના મળતાં મુકેશ ગુપ્તાને નવું વોટર પ્યુરિફાયર ખરીદવું પડ્યું. જે બાદ ગુપ્તાએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી કે કંપનીની સર્વિસમાં ખામી છે અને તેના માટે વળતર મળવું જોઈએ.

મુકેશ ગુપ્તાએ વોટર પ્યુરિફાયર બનાવતી કંપની અને તેના લોકલ સર્વિસ સેન્ટર પાસેથી ૧ લાખ રૂપિયાના વળતરની માગ કરી છે. કોરોના કાળમાં પાણીની બોટલની ડિલિવરી માટે વિવિધ લોકો મુકેશ ગુપ્તાના ઘરે આવતા હતા ત્યારે તેમની પત્ની, બે બાળકો અને તેમને પોતાને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ હતું. હાલ તો ગ્રાહક કોર્ટે કંપનીને નોટિસ આપી છે અને આગળની સુનાવણી ૧૭ નવેમ્બર પર મુલતવી રાખી છે.

(9:52 am IST)