Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

કાગળ પર રોજગારીની રેલમછેલઃ તા.૧૮ મીથી જિલ્લાવાર ભરતી મેળા

રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાથી યુવાનોમાં ફરી નવી આશાઃ ર૦૧૮-૧૯ના વર્ષમાં ૩,૬૭,૦પ૪ને રોજગારી અપાયાનો દાવોઃ રાજકોટમાં ર૭ મીએ, જામનગર-અમરેલી-સુરેન્દ્રનગર-મોરબીમાં તા.ર૬મીએ આયોજનઃ જૂનાગઢમાં ર૪ મીએ અને દ્વારકામાં ર૭ મીએ આયોજન

રાજકોટ, તા., ૧૪: રાજય સરકાર દ્વારા યુવાનોને રોજગારી આપવા માટે ૧૮ સપ્ટેમ્બરથી પ ઓકટોબર સુધી રોજગાર તથા એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરાયેલ છે. ગુજરાતમાં બેરોજગારોનું પ્રમાણ મોટું છે. રાજય સરકારે ર૦૧૮-૧૯ના વર્ષમાં ૩૬૭૦પ૪ યુવાનોને રોજગારી આપ્યાનો દાવો કર્યો છે. આવા ભરતી મેળામાં ખાનગી કંપનીઓ દ્વારા એપ્રેન્ટીસ(તાલીમી) ને અપાતી રોજગારીના વિગતવાર આંકડા સરકાર દ્વારા જાહેર થતા નથી. કયાં ખાનગી એકમે કયાં યુવાનને કેટલો સમય સુધી કેટલી રોજગારી આપી? તેના આંકડા જાહેરમાં આવતા નથી છતાં સરકારના આયોજન પર વિશ્વાસ મુકી આવા ભરતી મેળા યુવાનોમાં નવી આશા જગાવે છે. સરકારે છેલ્લા બે વર્ષમાં ૧૭પ૪ ભરતી મેળા કર્યાનો દાવો કર્યો છે.  હવે નવેસરથી ભરતી મેળાનું આયોજન કરાયું છે.

જામનગરમાં તા.ર૬મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે આઇટીઆઇ કેમ્પસ ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુની હાજરીમાં ભરતી મેળો યોજાનાર છે. તે જ દિવસે સવારે ૧૧ વાગ્યે અમરેલી કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં તથા સુરેન્દ્રનગર તે દિવસે સવારે ૧૦ વાગ્યે મહિલા આઇટીઆઇમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની હાજરીમાં મેળો યોજાશે. ગીર સોમનાથમાં તા.ર૬મીએ બપોરે ૧ર વાગ્યે સી પી ચોકસી કોલેજ વેરાવળ ખાતે જવાહર ચાવડાની હાજરીમાં તથા તે જ દિવસે સવારે ૧૧ વાગ્યે યુ એન મહેતા આર્ટસ કોલેજ મોરબીમાં મહિલા બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેની હાજરીમાં ભરતી પ્રક્રિયા થશે.

તા.ર૭મીએ સવારે ૧૦ વાગ્યે રાજકોટના રાષ્ટ્રીય શાળા કંમ્પાઉન્ડમાં પુરવઠા મંત્રી જયેશ રાદડીયાની હાજરીમાં અને તે જ દિવસે તે જ સમયે ભાવનગરના બાજપાઇ ઓપન એર થિયેટર હોલમાં વિભાવરીબેન દવેની હાજરીમાં ભરતી મેળો થનાર છે. તે દિવસે ૧૦.૩૦ વાગ્યે આઇટીઆઇ જામખંભાળીયામાં કુંવરજીભાઇ બાવળીયાની હાજરીમાં ભરતી મેળો રાખેલ છે.ભરતી મેળાઓમાં સેંકડો યુવાનો ઉમટી પડે તેવી ધારણા છે.

(11:38 am IST)