Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ગુજરાતની અધ્યાત્મક તંદુરસ્તી છેલ્લા દિવસોમાં બગડીઃ સાંઇરામ દવે, ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવીએ પણ રત્નાકર એવોર્ડ પરત કર્યો

અમદાવાદઃ નિલકંઠવર્ણી મુદ્દે મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે થયેલા વિવાદમાં હવે નવો મોડ આવ્યો છે. મોરારિબાપુના સમર્થનમાં ગુજરાતના જાણીતા કટારલેખક જય વસાવડા, સાહિત્યકાર માયાભાઈ આહીર અને અનુભા ગઢવી સાંઈરામ દવે બાદ ભીખુદાન ગઢવી અને કિર્તીદાન ગઢવીએ પણ સ્વામિનારાયણ સંસ્થાએ આપેલો 'રત્નાકર' અવોર્ડ પાછો આપી દીધો છે. તેમના આ પગલાંને કારણે આ વિવાદ ફરી પાછો ચર્ચામાં આવી ગયો છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંત વિવેક સ્વરૂપદાસજીએ  કલાકારોને કથિત રીતે દારૂડિયા કહેતાં મામલો વધુ બીચક્યો છે. જોકે, બાદમાં તેમણે માફી માગી હતી

સાઈરામે કહ્યું, આ નિવેદન કલાજગત માટે કુઠારાઘાત

સાઈરામે કહ્યું કે 'ગુજરાતની આધ્યાત્મીક તંદુરસ્તી છેલ્લા દિવસોમાં બગડી. મોરારિબાપુની એક વાતને લઈને વિવાદ વકર્યો. ગુજરાતના શ્રદ્ધાળુઓ ખાસ કરીને બાપુ સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે. આ દરમિયાન સ્વામીનારાયણના કોઈ એક સંતે કહ્યું કે દારૂ પીને આવતાં કલાકારો પણ બોલે છે. આ મંચ અમારા માટે સરસ્વીતનો ખોળો છે. અમે તેની ગરિમા જળવાય તેવી કોશિશ કરતા રહીએ છીએ. સ્વામીનારાયણ સંપ્રદાયે આપેલો 'રત્નાકર' એવોર્ડ ખૂબ દુ:ખી થઈને પરત આપું છું. જે રાશિ મને આપવામાં આવેલી એ પણ પરત આપું છું.'

જાણીતા રામ કથાકાર મોરારિબાપુએ પેરિસની એક કથામાં કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારિબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી હતી. તેને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા હતા. આ ટિપ્પણી બાદ સનાતન ધર્મ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે ધર્મયુદ્ધ છેડાયું હતું. અંતે જૂનાગઢના સાધુ-સંતોની મધ્યસ્થતા બાદ સમાધાન થયું હતું. જોકે, હજુ પણ આ મુદ્દે નિવેદન બાજી ન અટકતાં કલાકારોએ 'એવોર્ડ વાપસી' કરી છે.

(8:40 am IST)