Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

આણંદમાં દબાણ હટાવ્યા છતાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન થતા લોકોમાં રોષનો માહોલ

આણંદ:હાઈકોર્ટના આદેશ સાથે સમગ્ર રાજ્ય સાથે આણંદ જિલ્લામાં નગરપાલિકા, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે દબાણોનો સફાયો કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે ત્યારે આણંદમાં દબાણો હટાવ્યા બાદ હવે પાર્કિંગ માટેની ખેંચતાણ શરૂ થઈ જતાં નગરજનોમાં ભારે આશ્ચર્યની લાગણી ફેલાઈ જવા પામી છે.

એક મહિના પહેલા નગરપાલિકા, પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આણંદના જુદા-જુદા વિસ્તારોમાં વર્ષો જુના કાચા-પાકા દબાણો હટાવી શહેરને દબાણમુક્ત કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને આણંદના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ વર્ષો જુનો ૫૦ ફૂટથી વધુ પહોળો રસ્તો જેનું નામ ટૂંકી ગલી પડી ગયું હતું. 
તેને ફરીથી રસ્તામાં ફેરવી નગરજનો માટે ખુલ્લો મુકવામાં આવતા નગરજનોમાં ભારે રાહતની લાગણી સાથે આ વિસ્તારમાં છાશવારે થતા ટ્રાફિકજામની સમસ્યાને પણ મહદ્અંશે છુટકારો મળ્યો હતો. પરંતુ વિશેષ એ વાત છે કે ટૂંકી ગલી વિસ્તાર, જુના બસ સ્ટેન્ડ રોડ, સુપર માર્કેટ, સ્ટેશન રોડ, જનરલ પોસ્ટ ઓફિસ, નાની શાકમાર્કેટવાળા મુખ્ય રસ્તાઓ ઉપર પોલીસ તંત્ર દ્વારા દબાણો હટાવવામાં આવ્યા તથા આજુબાજુની જગ્યાઓ મોકળી કરવામાં આવી પરંતુ આ જગ્યાઓ ઉપર પાર્કિંગ માટેની વ્યવસ્થા ન કરવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા આ જગ્યા ઉપર વાહન પાર્ક કરનારને તૈયારીમાં ૨૦૦ થી ૫૦૦ રૂપિયાનો મેમો પકડાવી દેવામાં આવતા સ્થાનિક વેપારી સહિત વાહનચાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. 

(4:44 pm IST)