Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અંગ્રેજી - હિન્દી માધ્યમની સ્કુલોમાં ભણાવાશે 'કલકલિયો' અને 'બુલબુલ'

અમદાવાદ તા. ૧૪ : રાજયમાં ગુજરાતી ભાષાને ફરજિયાત કરવામાં આવ્યા પછી તેનો સુચારુરૂપથી અમલ થાય તે હેતુથી ધો.૧-૨માં તમામ શાળાઓએ ગુજરાતી ભાષાના બે પુસ્તકો ભણાવવાના રહેશે. 'કલકલિયો' અને 'બુલબુલ' નામક ગુજરાતી ભાષાના બે પુસ્તકો દિવાળી પછી ધો.૧-૨માં ફરજિયાત ભણાવવાના રહેશે.

દરેક રાજયમાં ત્યાંની સ્થાનિક ભાષા ફરજિયાતપણે વિદ્યાર્થીએ ભણવાની રહે છે. ગુજરાતમાં ગુજરાતી માતૃભાષા હોવા છતાં દરેક શાળા માટે ફરજિયાત નહોતી. તેના કારણે આ વર્ષથી સરકારે ગુજરાતી ભાષા ફરજિયાત કરી હતી. ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી માધ્યમની શાળાઓ ગુજરાતી ભાષા ભણાવતી જ નહોતી. તેના કારણે વિદ્યાર્થીઓ માતૃભાષાથી દૂર થતાં જતા હતા.આ સ્થિતિ નિવારવા પાઠય પુસ્તક મંડળને ગુજરાતી ભાષાના પુસ્તકો તૈયાર કરવાનું કાર્ય સોંપાયું હતું. તેમાંથી કલકલિયો અને બુલબુલ નામક બે પુસ્તક તૈયાર થઈ ગયા છે. બંને પુસ્તકમાં જોડકણાં, ઉખાણાં, કવિતા વગેરે હશે. જે ધો.૧-૨ના વિદ્યાર્થીઓને ભણાવાશે. બંને પુસ્તક તમામ બોર્ડની શાળાઓ માટે ફરજિયાત રહેશે.

પાઠય પુસ્તક મંડળ દ્વારા આગળના ધોરણના પુસ્તકો પણ તૈયાર થઈ રહ્યાં છે. જે ક્રમશઃ અમલમાં મુકાતા જશે તેમ મંડળના સૂત્રો પાસેથી જાણવા મળે છે. ધો.૧-૨માં પાસ-નાપાસ જેવું ન હોય દિવાળી પછી ભણાવવાના હોવા છતાં કોઈ મુશ્કેલી રહેશે નહીં તેવું માનવામાં આવી રહ્યું છે.(૨૧.૧૩)

(12:05 pm IST)