Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

અમદાવાદની સાબરમતી જેલમાંથી ફરી મળ્યો ફોન : હાઈ સિક્યોરિટી પાછળથી ફોન મળી આવતા ચકચાર

જુહાપુરાના કુખ્યાત અઝહર કિટલીનો ફોન હોવાનું સામે આવ્યું : કાચા કામના કેદીએ ડાબા પગની પેડીમાં છુપાવેલો હતો મોબાઈલ

 

અમદાવાદ તા.14 : ગુજરાતની સૌથી મોટી, અમદાવાદની સાબરમતી જેલ કેદીઓને ગેરકાયદે સુવિધાના મામલે ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. સાબરમતી જેલમાં કેદીઓની જડતી દરમિયાન સોમવારે સાંજે નવી જેલમાં કાચા કામના કેદીએ ડાબા પગની પેડીમાં છુપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેલ પોલીસની તપાસમાં ફોન અન્ય કેદીનો હોવાનું ખુલ્યું હતું. રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ફોન FSLમાં મોકલવા તજવીજ કરી છે.

અમદાવાદની સાબરમતી જેલમાં અવારનવાર કેદીઓ પાસેથી ફોન મળી આવતા પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવતું હોય છે. જેની કેદીઓને જાણ ન થતા કેટલાક કેદીઓ પાસેથી ફોન મળી આવે છે. આપણે જેમ ફિલ્મોમાં જોઈએ છે કે, જેલમાં એક ગેંગ હોય જે નવા કેદીઓને હેરાન કરતા હોય. અથવા તો તેમની જેલના પોલીસ સાથે ઓળખાણ હોવાથી તે લોકો તેમને છૂટછાટ આપતા હોય છે. એકદમ સરખું તો ન કહી શકાય પણ તેવી જ રીતે હાલની દરેક જેલોમાં થતું જોવા મળી રહ્યું છે. જ્યાં કેદીઓ પોતાના ગુનાની સજા ભોગવવા જાય છે. ત્યાં તેમને ફોન વાપરવાની સુવિધા પણ મળી જતી હોય છે. જેનો એક નમૂનો તમારી સામે જ છે.

મળતી માહિતી પ્રમાણે, સાબરમતી જેલમાં કે બીજી કોઈપણ જેલમાં કેદીને કોઈપણ પ્રકારની નાની કે મોટી વસ્તુઓ લઈ જેવા દેવામાં આવતી નથી. ખાસ કરીને સાબરમતી જેલમાં ખુંખાર આરોપીઓને રાખવામાં આવતા હોવાથી જેલને હાઈલેવલની સિક્યોરિટી આપવામાં આવે છે. જેને કારણે કોઈપણ વસ્તુ અંદર લઈ જવી શક્ય જ નથી. સાબરમતી જેલમાં 24 કલાક સિક્યોરીટી હોય છે. પોલીસ જવાનોને ઠેર ઠેર ફરજ સોંપવામાં આવે છે. તેમ છતાં જેલમાંથી ફોન મળી આવવો એ એક આશ્ચર્યનો વિષય છે.

જ્યારે હાઈ સિક્યોરિટી વચ્ચે ફોન મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેલમાંથી અવારનવાર કેદીઓ પાસેથી ફોન મળી આવતા હોવાથી પોલીસ દ્વારા જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન અઝરૂદિન ઉર્ફે અઝહર કીટલી ઈસ્માઈલભાઈ જે મધ્યસ્થ જેલના હાઈ સીક્યુરીટી યાર્ડની ઝડતી દરમિયાન પોતાની પાસે રહેલા મોબાઈલને સંડાશના ટબમાં(ગટરમાં) ફેકી દીધો હતો. જેની જાણ થતા જેલ સુબેદાર દ્વારા જેલ પ્રતિબંધિત મોબાઈલ ફોન હાઈ સિક્યુરીટી યાર્ડ બહારની ખોલીની પાછળના ભાગે આવેલી ગટરની કુંડીમાંથી શોધી કાઢ્યો હતો. પોલીસ દ્વારા મોબાઈલ ફોનને જોતા ફોન સેમસંગ કંપનીનો કાળાકલરનો અને કિપેડવાળો હતો. પોલીસને આ મોબાઈલ ફોન સિમકાર્ડ, બેટરી વગરનો બંધ હાલતનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

વધુમાં, મોબાઈલ મળી આવતા રાણીપ પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી. તેમજ મળી આવેલા ફોન વિશે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાતા આ ફોન ક્યાંથી આવ્યો. તેમજ કેટલા સમયથી આ ફોન જેલમાં હતો, આ ફોનથી કેટલા લોકો સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(8:40 pm IST)