Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

'અમૃત કાળ'માં બનાવીશું જનતાના સ્વપ્નનું ગુજરાત : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગુજરાત સલામત અને શાંતિપૂર્ણ રાજ્ય છે. ગુજરાત શાંતિ અને સલામતીના પાયા પર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. રમખાણો હવે ભૂતકાળ બની ગયા

ભારત તેની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના સંઘર્ષને યાદ કરવાનો છે, જેમણે સેંકડો વર્ષોથી ગુલામીની જંજીરોમાં જકડાયેલી ભારત માતાને આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા મહાન નાયકો અને નામી-અનામી શુરવીરોના યોગદાનને ઉજાગર કરવા માટે વડાપ્રધાન મોદીએ આઝાદીની 75મી વર્ષગાંઠને 'આઝાદી કા અમૃત મહોત્સવ' તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું હતું. તેની શરૂઆત 12 માર્ચ, 2021 ના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમથી થઈ હતી.

ગુજરાત આઝાદીના આ 'અમૃત મહોત્સવ'ને પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યું છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના યોગદાનનો સુવર્ણ ઇતિહાસ રહેલો છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સહિત ગુજરાતના અનેક સપૂતોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. સાબરમતી આશ્રમ એ દિવસોમાં સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્રબિંદુ હતું. દેશભરમાંથી નેતાઓ, ચિંતકો, સમાજસેવકો અને કાર્યકરોનો મેળાવડો અહીં થતો. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે વ્યૂહરચના અને કાર્યક્રમો બનાવવામાં આવ્યા હતા. સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી યાત્રાએ બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા.

લોખંડી પુરૂષ વલ્લભભાઈ પટેલે અંગ્રેજો સામેની લડતમાં બારડોલી સત્યાગ્રહનું સફળ નેતૃત્વ કર્યું હતું. આ સફળ આંદોલન પછી તેમને 'સરદાર'નું બિરુદ આપવામાં આવ્યું. સરદાર પટેલે 562 રજવાડાઓનું ભારત સંઘમાં વિલીનીકરણ કરી અખંડ ભારતના નિર્માણનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું. મોદીએ ભારતમાતાના આ સપૂતની દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યૂનિટી' ના નિર્માણના માધ્યમથી તેમણે યથોચિત શ્રદ્ધાંજલિ અર્પિ છે.

આ ઉપરાંત શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાજી કામા અને સરદારસિંહ રાણા જેવા અનેક ગુજરાતીઓએ દેશની આઝાદી માટે યોગદાન આપ્યું હતું.

દેશની આઝાદીની ચળવળમાં ગુજરાતના આદિવાસી સમાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇતિહાસમાં આદિવાસી સમાજના યોગદાન સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ અને નાયકોની ઉપેક્ષા કરવામાં આવી હતી. ગોવિંદ ગુરૂના નેતૃત્વ હેઠળ, ગુજરાતના માનગઢમાં અંગ્રેજો સામે આઝાદીની લડાઈમાં લગભગ 1500 આદિવાસીઓ શહીદ થયા હતા. સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવમાં પણ અંગ્રેજોએ 1200થી વધુ નિર્દોષ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને ગોળીઓથી વિંધ્યા હતા. તેને ‘ગુજરાતનો જલિયાવાલા કાંડ' પણ કહેવામાં આવે છે. શ્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન આદિવાસીઓની શહાદતને ઉજાગર કરવા માટે અહીં શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે.

1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે અનેક પડકારો હતા. મુંબઈ જેવા સમૃદ્ધ રાજ્યમાંથી અલગ થયા બાદ ગુજરાતે મક્કમ મનોબળ અને દ્રઢતા સાથે રાજ્ય તરીકેની સફર શરૂ કરી. તે સમયે જ્યારે કૃષિ એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ હતી, ત્યારે ગુજરાત પાણીની તીવ્ર અછત અને અપૂરતા વરસાદને કારણે કૃષિ ક્ષેત્રે કટોકટીનો સામનો કરી રહ્યું હતુ. પરંતુ સ્વાભિમાની અને ઉત્સાહ તેમજ જુસ્સાથી ભરેલા ગુજરાતીઓએ ગુજરાતને કૃષિ સહિત તમામ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવવા અથાગ પ્રયાસો કર્યા.

જ્યારે મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી ગુજરાતની વિકાસગાથામાં એક નવો અને સુવર્ણ અધ્યાયનો પ્રારંભ થયો હતો. તેમણે ગુજરાતને વિનાશક ભૂકંપના આંચકામાંથી બેઠું કરીને વિકાસના પંથે આગળ ધપાવ્યું. તેમણે વહીવટી શિથિલતાના વાતાવરણને સ્ફુર્તિવાન બનાવી લોકોમાં ઉત્સાહનો સંચાર કર્યો. એક નેતા તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ તેમની નીતિ-રીતી અને કાર્યોથી નેતૃત્વની નવી વ્યાખ્યા ઘડી.

રાજ્યના વિકાસને લગતી તેમની સ્પષ્ટ અને અસરકારક નીતિઓના પરિણામે જ ગુજરાત સમગ્ર દેશમાં જ નહિ પરંતુ વિશ્વભરમાં 'વિકાસ મોડલ' તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત દેશના વિકાસના 'ગ્રોથ એન્જિન' તરીકે જાણીતું બન્યું છે.

છેલ્લા બે દાયકાથી ગુજરાતની વિકાસયાત્રા લોકો માટે સંશોધનનો વિષય બની છે. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે મોદીના નેતૃત્વમાં નવી હરિયાળી ક્રાંતિ આવી છે. કૃષિ મહોત્સવની શરૂઆત કરી તેમણે એપ્રિલ અને મે મહિનાના ધગધગતા તાપમાં પણ ગામડે-ગામડે જઈને ખેડૂતોને નવી ટેકનોલોજી અને સાધનોની ભેટ આપી. પરિણામે, વર્ષ 2002માં 23.48 લાખ મેટ્રિક ટન અનાજની સરખામણીએ આજે 83.25 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન કરીને ગુજરાત કૃષિ ક્ષેત્રે ક્રાંતિનો નવો અધ્યાય લખી રહ્યું છે. સરદાર સરોવર ડેમ અને 69000 કિલોમીટર લાંબા નહેર નેટવર્કની સાથે લાખો ચેકડેમોના નિર્માણથી ગુજરાતના ખેડૂતો માટે સિંચાઈની સુવિધા વધુ મજબૂત બની છે. પશુ આરોગ્ય મેળાનું આયોજન કરી અને પ્રાણીઓની સાર-સંભાળ માટે ઝુંબેશ ચલાવવામાં આવી પરિણામે ગુજરાતનું દૂધ ઉત્પાદન વર્ષ 2002માં 60 લાખ મેટ્રિક ટન હતું તે વધીને આજે 158 લાખ મેટ્રિક ટન થયું છે.

શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો, ગુજરાતમાં કન્યા શિક્ષણ અને શાળા છોડવાનો દર મુખ્ય ચિંતાનો વિષય હતો. આ માટે શ્રી નરેન્દ્ર મોદીએ 'કન્યા કેળવણી' અને 'શાળા પ્રવેશોત્સવ' જેવા અભિયાન પ્રારંભ કર્યાં અને આજે આ બંને ક્ષેત્રે રાજ્યની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધાર આવ્યો છે. ટેકનોલોજી દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા માટે ગુજરાતે 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'ની સ્થાપના કરી જેની દેશ અને દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં યુનિવર્સિટીઓની સંખ્યા 21 હતી, આજે તે વધીને 102 થઈ ગઈ છે. તેવી જ રીતે એન્જીનીયરીંગ અને મેડીકલ સીટોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

ઔદ્યોગિક રાજ્ય તરીકેની પોતાની છબી અનુરૂપ ગુજરાત દેશના વિકાસમાં અગ્રેસર બન્યું છે.મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરીને ગુજરાતમાં રોકાણ અને ઉદ્યોગોને આકર્ષ્યા છે. રાજ્યનું ઔદ્યોગિક ઉત્પાદન 20 વર્ષ પહેલા રૂ. 1.27 લાખ કરોડથી વધીને આજે રૂ. 16.19 લાખ કરોડ થયું છે. MSME ઉદ્યોગોની સંખ્યા પણ આજે 2.74 લાખ વધીને 8.66 લાખ થઈ છે. વિદેશી મૂડી રોકાણ (FDI) મેળવવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતનું 'ગિફ્ટ સિટી' આર્થિક પ્રવૃતિના વૈશ્વિક હબ તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યું છે.

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે ‘મા’ અને ‘મા અમૃતમ’ જેવી યોજનાઓ અમલમાં છે. 20 વર્ષ પહેલાની સરખામણીમાં ડોકટરો અને નર્સોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. હોસ્પિટલમાં પ્રસૂતિ દર 99.5% છે. બાળ મૃત્યુદરમાં પણ 55 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે.

ગુજરાત સલામત અને શાંતિપૂર્ણ રાજ્ય છે. ગુજરાત શાંતિ અને સલામતીના પાયા પર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. રમખાણો હવે ભૂતકાળ બની ગયા છે. રાજ્યની પોલીસ બોડી-વોર્ન કેમેરા, ઈન્ટરસેપ્ટર વાન અને સ્પીડ ગનથી સજ્જ છે. ગુજરાતે જાહેર સુરક્ષા માટે મહત્વપૂર્ણ 'સાયબર આશ્વસ્ત' અને 'વિશ્વાસ પ્રોજેક્ટ' શરૂ કરીને દેશને નવી રાહ ચીંધી છે. ગુજરાતે દેશની પ્રથમ ફોરેન્સિક યુનિવર્સિટીની પણ સ્થાપના કરી છે.

રોજગાર અને સ્ટાર્ટઅપની બાબતમાં ગુજરાતે દેશભરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાતે યુવા શક્તિને પ્રોત્સાહિત કરવા સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરી છે, જે અંતર્ગત તેમને આકર્ષક પ્રોત્સાહનો આપવામાં આવે છે. ગુજરાત સતત ત્રણ વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં દેશમાં ટોચ પર છે.

ઉર્જા ક્ષેત્ર પ્રગતિ, વિકાસ અને સમૃદ્ધિનું પ્રતિક છે. ઉર્જા ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે. રાજ્યમાં 20 વર્ષ પહેલાં 8,750 મેગાવોટની સરખામણીએ આજે 40,138 મેગાવોટ ઉર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે. રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન 20 વર્ષ પહેલા માત્ર 99 મેગાવોટ થતુ હતુ જે વધીને આજે 16,588 મેગાવોટ થયું છે. 3 લાખ સ્થળોએ સોલાર રૂફટોપ લગાવીને 1,171 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. રાજ્યમાં 40,000 કિલોમીટરથી વધુ ગેસ પાઈપલાઈન નેટવર્ક છે.

ગુજરાતમાં વંચિત, શોષિત અને પછાત વર્ગના કલ્યાણ માટે વિશેષ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. 'સેવા સેતુ' કાર્યક્રમ દ્વારા ઘર આંગણે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 'ઉજ્જવલા યોજના' હેઠળ લગભગ 35 લાખ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) હેઠળ અનુક્રમે 6.24 લાખ અને 3.21 લાખ મકાનો બનાવવામાં આવ્યા છે. 43 લાખથી વધુ ઘરોમાં વ્યક્તિગત શૌચાલયની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

'આઝાદી કા અમૃત મહોત્સવ' ના ઉપલક્ષ્યમાં પ્રધાનમંત્રી મોદીના આહ્વાન પર જળ સંરક્ષણના માધ્યમથી રાજ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.

આઝાદીની 75મી વર્ષગાંઠને યાદગાર બનાવવા અને લોકોમાં રાષ્ટ્રભાવ જગાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રીના 'હર ઘર તિરંગા' અભિયાનને ગુજરાતની પ્રજાનું અદ્ભુત સમર્થન મળી રહ્યું છે. સંપૂર્ણ  ગુજરાત દેશભક્તિની ભાવના સાથે તિરંગામય બની ગયું છે.

 આઝાદીના આ 'અમૃત કાળ'માં ગુજરાત વિકાસના નવા આયામો સર કરવા સંકલ્પબદ્ધ છે. રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ દ્વારા સમાજના દરેક વર્ગના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ છે. અમે ગુજરાતની સાડા છ કરોડની જનતાના સપનાના ગુજરાતનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ છીએ.

(7:45 pm IST)