Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

અમદાવાદમાં બે દિવસમાં બે વિકલાંગ સહિત ત્રણ યુવકની હત્યા

નિકોલ અને મેઘાણીનગરના હત્યાના આરોપી ઝડપાયા :મેમનગરમાં હાથ પગ બાંધી દ્વારકાના રહેવાસી વિકલાંગ યુવકની ગળે ફાંસો આપી હત્યા

અમદાવાદ: શહેરમાં છેલ્લા બે દિવસમા બે વિકલાંગ સહિત ત્રણ યુવકની હત્યા થઇ છે જેમાં નિકોલ અને મેઘાણીનગરના હત્યાના બનાવમાં પોલીસે આરોપીઓને ઝડપી કાર્યવાહી કરી છે. મેમનગરના ઠાકોરવાસમાં સસીતા એપાર્ટમેન્ટમાં હાથ પગ બાંધી દ્વારકાના રહેવાસી વિકલાંગ યુવકની ગળે ફાંસો આપી હત્યા કરાઈ છે. ઘાટલોડિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યામાં સામેલ આરોપીઓ અંગે તપાસ હાથ ધરી છે.

હત્યાના ત્રણ બનાવમાં નિકોલ ખાતે શિવ ટેનામેન્ટ પાસે સરકારી પ્લોટમાં રહેતાં વિકલાંગ યુવક મગન ઉર્ફ મંગાની માટીના ઢગલામાં દાટી દીધેલી હાલતમાં લાશ મળી તેમજ સ્થળ પર તેની ત્રણ પૈડાની સાયકલ ઉંધી પડેલી હાલતમાં મળી હતી. નિકોલ પોલીસની તપાસમાં મગનને તેનો મિત્ર કમલ મારવાડી બુધવારે રાત્રે ઘરેથી લઈ ગયો હતો. પોલીસે કમલની પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલી લીધો હતો. કમલને મગન અપશબ્દો બોલ્યો હતો. આથી ઉશ્કેરાયેલા કમલે પથ્થર ઉપાડી મગન ઉર્ફ મંગાના માથામાં ઘા કરતા તેનું સ્થળ પર મોત થયું હતું

મેઘાણીનગરના જોગેશ્વરીનગરમાં રહેતાં કેતન વિઠ્ઠલ ભાઈ પરમાર (ઉં,30) અને તેના ભાઈ મેહુલ સાથે રાહુલ અને તેના મિત્રોએ મારામારી કરી હતી. આ અંગે કેતનએ પોલીસ ફરિયાદ કરી હતી. રાહુલનો મિત્ર તેજસ ઉર્ફ તેજીયો આ બાબતે વાત કરવા આવ્યો હતો. ગુરુવારે બપોરે તેજસ મહેરિયા,તેના પિતા જીતુભાઈ અને તેજસની માતા ત્રણે જણા કેતનને અપશબ્દો બોલી તેની સાથે ઝઘડો કરતા હોવાનું કેતનના પિતા વિઠ્ઠલભાઈએ જોયું હતું.તેઓ કઈ બોલે તે પહેલાં જીતુભાઈએ કેતનની ફેંટ પકડી અને તેના પુત્ર તેજસ ઉર્ફ તેજીયાએ ચાકુ કાઢી કેતનનું ગળુ રેંહસી નાખ્યું હતું. કેતનને સારવાર દરમિયાન ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો. મેઘાણીનગર પોલીસે તેજસ, તેના પિતા જીતુ મહેરિયા અને કેતનની માતા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી લીધા હતા.

મેમનગરના ઠાકોર વાસમાં આવેલા સસીતા એપાર્ટમેન્ટમાં બંધ ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘર ખોલતા જ હાથ પગ બાંધી યુવકને સિલિંગ સાથે લટકાવી ગળે ફાંસો આપી હત્યા કરી હતી.બનાવ અંગે મળેલી વિગત મુજબ મૃતક યુવક નિખિલ પરષોત્તમભાઈ સૂર્યવંશી (ઉં,25) હોવાનું ખુલ્યું છે. પગેથી વિકલાંગ નિખિલ મૂળ દ્વારકાનો રહેવાસી છે. તે સસીતા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતો અને પ્રહલાદનગર ખાતે ખાનગી કંપનીમાં એક્ઝીક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. નિખિલની હત્યામાં સામેલ લોકોને શોધી કાઢવા પોલીસ તપાસ હાથ ધરી છે.

(11:22 pm IST)