Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

મેમનગરમાં વિદેશી દારૂની સાથે ત્રણ જણની અટકાયત

પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી : વસ્ત્રાપુર પોલીસે આરોપીઓને મેમનગરના શકંબા ટાવર પાસે કારમાં ૨૩૬ બોટલ દારૂ સાથે ઝડપ્યા

અમદાવાદ,તા.૧૪ : ગાંધી-સરદારના ગુજરાતમાં આજે પણ દારૂબંધીની વાતો પોકળ સાબિત થઇ રહી છે એટલું જ નહીં માત્ર કાગળ ઉપર રહેલી દારૂબંધી વચ્ચે બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં શહેરમાં રોજેરોજ દરોડા પાડવા છતાં વિદેશી કે ઈંગ્લીશ દારૂ ખુટતો નથી. કોરોના વાયરસની પરિસ્થિતિ વચ્ચે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ ઝડપાઇ રહ્યો છે. ગઇ કાલે  હરિયાણાથી ઘઉંની બોરીઓની આડમાં ટ્રક ભરી લવાયેલો ૧૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આજે ફરી મેમનગરમાં વિદેશી દારૂ સાથે ત્રણ બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે.

શહેરના મેમનગર પાસે કારમાં સંતાડેલો ૨૩૬ બોટલ દારૂ પોલીસે કબજે કર્યો છે. મળતી વિગત મુજબ, વસ્ત્રાપુર પોલીસને બ્રેઝા કાર દારૂ સાથે ત્રણ લોકો આવતા હોવાની બાતમી મળાી હતી. બાતમી મળતા જ પોલીસે મેમનગર સ્ટર્લિંગ હોસ્પિટલની પાસે શકંબા ટાવર નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નં-૨૩૬ મળી આવી હતી.આરોપીઓએ પ્લાસ્ટીકની ૨૦ થેલીઓમાં અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલો પેક કરી હતી. કુલ ૨૩૬ બોટલો પ્લાસ્ટીક બેગમાંથી મળી આવી છે જેની કિંમત આશરે ૭૦ હજારથી વધુની છે. હાલ આ મામલે પોલીસે આરોપીઓની અચકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જણાવી દઇએ, ગઇકાલે પીસીબી એ હરિયાણાથી લવાતો ૧૧ લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પીસીબીએ નારોલ-અસલાલી હાઇવે પરથી એક ટ્રકમાં લઇ જવાતો ૧૧ લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. ટ્રકના ડ્રાયવર અને કલીનર ધરપકડ કરવામાં આવી છે.

(9:26 pm IST)