Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સાઈકલ અને બેટરીથી ચાલતા વાહન લેવા માટે પુરાવા જરૂરી

અમદાવાદ પોલીસનું નવું જાહેરનામું : બેટરીથી ચાલતા ટૂ વ્હીલર જેવા વાહનો વેચતા દુકાનના માલિકો, એજન્ટોએ ખરીદનારને બિલ આપવું પડશે

અમદાવાદ,તા.૧૪ : અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ સાઈકલ, બેટરીથી ચાલતા ટૂ વ્હીલર જેવા વાહનો વેચતા દુકાનના માલિકો, મેનેજરો અને એજન્ટોએ ખરીદનારને બિલ આપવું પડશે. ગ્રાહકએ કોઈપણ એક આધાર પુરાવો જેવો કે ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ આપવાનું રહેશે. બિલમાં ખરીદનારનું પુરૂ નામ- સરનામું અને મોબાઈલ નંબર લખવાનો રહેશે. બિલમાં સાયકલ/ સ્કૂટરની ફ્રેમ નંબર પણ લખવા પડશે. આ હુકમ ૧૫ ઓગસ્ટથી ૬૦ દિવસ સુધી એટલે કે ૧૩ ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.

આ ઉપરાંત શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મોબાઈલ ફોન મામલે પણ જાહેરનામું બહાર પાડતા જણાવ્યું છે કે ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે કેટલાક લોકો મોબાઈલ ફોનના સીમકાર્ડનો દુરઉપયોગ કરે છે. જેથી દુકાનદારોએ મોબાઈલ ફોનના સીમકાર્ડ લેનારના રહેઠાણનો પુરાવો અને ઝેરોક્ષ રાખવી પડશે. તેમજ તેની એક્સલશીટમાં માહિતી સાચવી રાખવી પડશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે. શહેરમાં ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા.આ સિરિયલ બ્લાસ્ટમાં નિર્દોષને મોતને ઘાટ ઉતારવા માટે ઇન્ડિયન મુજાહિદ્દીનના મુજીબને માત્ર ૭ હજાર રૂપિયા મોતનો સામાન ખરીદવા માટે અપાયા હતા. મુજીબે આ રૂપિયામાંથી ૨૧ સાઇકલ અને ૨૫ કિલો નટબોલ્ટ ખરીદીને બોમ્બ બનાવીને પ્લાન્ટ કરતા અમદાવાદ હચમચી ગયું હતું. આ સિરિયલ બ્લાસ્ટમાં ૫૬ના મોત અને ૧૫૦ને ઇજાઓ થઇ હતી.

(9:24 pm IST)