Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

વગર પરવાને સેનીટાઈઝર્સ ઉત્પાદન કરતા વ્યકિતઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

અમદાવાદમાં દરોડો પાડી ફીનીસ્ડ પ્રોડકટ, પેકીંગ મટીરીયલ, કાચા દ્રવ્યો તેમજ ફીલીંગ મશીનરી સહિત કુલ રૂ.૩૪.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી માહિતીના આધારે અમદાવાદના મકરબા ખાતે ૩૧૮, કિષ્નાનગર સોસાયટી, ભરવાડ વાસ વગર પરવાને એલોપેથીક ફોમ્યુલાવાળી અને મે.જયોતિ હર્બ્સ, ઉમટા મહેસાણાના લેબલવાળા સેનીટાઇઝરનું ઉત્પાદન થતું હોવાનુ ધ્યાને આવ્યુ છે.

 આ સંદર્ભે ગાંધીનગર વડી કચેરીના નાયબ કમિશ્નર ડૉ.સી.ડી.શેલત તથા અન્ય અધિકારીઓ તેમજ અમદાવાદ ઝોન-રના અધિકારીઓએ સંયુકત રીતે રેડ કરી મીત પટેલ રહેવાસી સેટેલાઇટ અમદાવાદ પાસેથી જુદી જુદી બેચના જુદા જુદા પેકીંગ વાળા ક્લીયર વેલ આલ્કોહોલીક હેન્ડ રબ/સેનીટાઈઝર, ઉત્પાદક જ્યોતી હર્બ્સ, મહેસાણા તથા પ્રીસ ઇન્સટન્ટ હેન્ડ સેનીટાઇઝર ઉત્પાદક ગ્લેડીયસ પ્રોડક્ટ પ્રા.લી, ધાનોધ, ગાંધીનગર તથા ડોન ઓફ મેન હેર રીમુવલ ક્રીમ ઉત્પાદક બ્યુટી કન્સેપ્ટ, સરખેજ, અમદાવાદની બનાવટો મળી આવતા તેના નિયમિત નમૂના લઇ બાકીની બનાવટ તથા પેકીંગ મટીરીયલ તેમજ મશીનરીનો જથ્થો વધુ કાર્યવાહી અર્થે જપ્ત કરવામા આવ્યો છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા દ્વારા જણાવાયુ છે.

 તેમણે ઉમેર્યુ કે, આ રેડ દરમિયાન કરાયેલી પૂછપરછમાં મીત પટેલે કબૂલ્યુ હતુ કે તેઓ આ ધંધો રાષ્ટ્રવ્યાપી લાગુ પડેલ લોકડાઉનના સમયથી કરે છે અને અત્યાર સુધીમાં તેઓએ આશરે ૧૮,૦૦,૦૦૦ જેટલા રૂપિયાનો ડી નેચર આલ્કોહોલ ખરીદ કર્યો છે. આ વ્યકિતએ શહેરના અંતરિયાળ રહેણાક વિસ્તારમાં વેપલો શરૂ કરી વગર પરવાને ટેસ્ટીંગ કર્યા વગર વેચાણ કરી વિપુલ પ્રમાણમાં એલોપેથીક એન્ડ કોસ્મેટીક કેટેગરીના હેન્ડ સેનીટાઇઝર તથા હેન્ડ રબનું ઉત્પાદન કરી સને 1940 નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્વયેના નિયમોની કલમ 18 ( c ),18A, 18a ( vi ) નો ભંગ કર્યો છે .
  આ તપાસ દરમિયાન આ વ્યકિતઓને ત્યાંથી ફીનીસ્ડ પ્રોડકટ, પેકીંગ મટીરીયલ તેમજ કાચા દ્રવ્યો, ફીલીંગ મશીનરી વિગેરે મળી કુલ ૩૪,૩૮,૦૦૦/- જેટલો મુદ્દા માલ કબજે કરવામા આવ્યો છે એમ વધુમા જણાવાયુ છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા સ્થિત મે. જયોતિ હર્બ્સ નામની પેઢી સૌદર્ય પ્રસાધન કે એલોપેથીક ઔષધોના ઉત્પાદન માટેના કોઇ પરવાના ધરાવતી નથી. કેટલા સમયથી આ બનાવટોનું ઉત્પાદન થાય છે તથા અત્યાર સુધી કોને કોને વેચાણ કરેલ છે તે ઉપરાંત તેઓએ મેળવેલ આલ્કોલની વિગતો તથા વેચાણ વિગતો બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
  બીજી તરફ જપ્ત કરેલી બનાવટો પૈકી પ્રીસ ઇન્સટંટ તથા હેર રીમુવલ કેટેગરીની બનાવટો અસલ ઉત્પાદકે ઉત્પાદીત નહી કરી હોવાનું પ્રાથમીક તબક્કે જણાઇ આવ્યુ છે. આ તમામ કાર્યવાહી કમિશ્નરશ્રી ડૉ.એચ.જી.કોશિયાના સીધા માર્ગદર્શન અને સૂચનાથી હાથ ધરવામા આવી છે. સમાજમાં આવા ગુનાહિત્ત કૃત્યો આચરનાર અને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ કડક કાર્યવાહી શરુ કરતા આવા વ્યક્તિઓમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે.

(7:58 pm IST)