Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

શંકાસ્પદ દર્દીઓના વહેલા નિદાન માટે વિરમગામ શહેરમાં કોવિડ-૧૯ ઇન્ટેન્સિફાઇડ સર્વેલન્સ શરૂ કરાયો

મેડીકલ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર સ્ક્રિનીંગ અને પલ્સ ઓક્સીમીટર મશીનથી એસ.પી.ઓ.ટુ માપવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ હસ્તકના કર્મચારીઓ તથા આઇસીડીએસ વિભાગની સંયુક્ત મેડીકલ ટીમ દ્વારા શંકાસ્પદ દર્દીઓના વહેલા નિદાન માટે વિરમગામ શહેરમાં કોવિડ-૧૯ ઇન્ટેન્સિફાઇડ સર્વેલન્સ શરૂ કરાયો છે. મેડીકલ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યુ છે તેમજ પલ્સ ઓક્સીમીટર મશીનથી તમામના એસ.પી.ઓ.ટુ પણ માપવામાં આવી રહ્યુ છે. આરોગ્ય ટીમો દ્વારા ખાસ ૦ થી ૫ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ૬૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તેમજ લાબા ગાળાની ગંભીર બિમારીવાળા વ્યક્તિઓની સવિશેષ કાળજી લેવામાં આવે છે

. વિરમગામ શહેરમાં કુલ ૬૨ ટીમ અને ૧૦૪ કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને કોરોના વાયરસથી બચવાના ઉપાયો સમજાવવામાં આવી રહ્યા છે. જીલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન મુજબ વિરમગામ શહેરમાં શરૂ કરવામાં આવેલ કોવિડ-૧૯ ઇન્ટેન્સિફાઇડ સર્વેલન્સનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇ દ્વારા ક્રોસવેરીફીકેશન કરવામાં આવ્યુ હતુ. મેડિકલ ઓફિસર ડૉ.આર જી વાઘેલા, ડૉ.કિરણ પંચાલ, ડૉ.ધારા પટેલ, ડૉ.ધારા સુપેડા, ડૉ.નિતીન સોલંકી, ડૉ.સાગર પરમાર, ડૉ.કિશોર, કે એસ ઠાકોર, નીલકંઠ વાસુકિયા સહિતના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ કામગીરનું સુપરવિઝન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ શહેરમાં એન્ટીજન ટેસ્ટીંગ કામગીરી કરવામાં આવી હતી.
  વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વિરમગામ શહેરમાં કોવિડ-૧૯ ઇન્ટેન્સિફાઇડ સર્વેલન્સ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાઇ છે અને શરદી, ઉઘરસ વાળા દર્દીઓને શોધીને સારવાર આપવામાં આવી રહી છે. હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાઇરસના ચેપથી ચોક્કસ બચી શકાય તેમ છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢા ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ

(7:35 pm IST)