Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ગુજરાત ATS-ક્રાઈમબ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન: 25 લાખના MD ડ્રગ્સ સાથે ચાર શખ્શોની ધરપકડ

સિદ્ધપુરની ફેમસ હોટલ પાસે રેડ કરી આંતરરાજ્ય MD ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ

અમદાવાદ: ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમે જોઈન્ટ ઓપરેશન કરી રૂ.25 લાખના એમડી (મેંથાએમ્ફેટામાઇન) ડ્રગ્સ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા છે. સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે આવેલી ફેમસ હોટલ નજીક ડ્રગ્સની ડીલ કરવા ઉભેલા ચાર આરોપીને ઝડપી પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

ક્રાઈમબ્રાન્ચના પીઆઈ ડી.બી.બારડ, એન.આર. બ્રહ્મભટ્ટ અને એટીએસ પીઆઈ એમ.સી.નાયકની ટીમે બાતમીના આધારે સિદ્ધપુર ખાતેથી રાજસ્થાનના ઝલોર જિલ્લાના સાંચોર ખાતે રહેતાં સુરેશ રામચંદ્ર ઠક્કર, જગદીશ દયારામ માળી, ખેમારામ ઉર્ફ ખીમજી ઉર્ફ મામા કસ્તુરી બ્રાહ્મણ અને પાટણ જિલ્લાના સિદ્ધપુરના ઋષિ તળાવ ખાતે રહેતા ઈમરાન યાસીન શેખની ધરપકડ કરી છે. આરોપીઓ ડ્રગ્સ ડીલ કરવા માટે ભેગા થયા ત્યાં જ પોલીસ ત્રાટકી હતી

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.24.53 લાખનું એમડી (મેંથાએમ્ફેટામાઇન) ડ્રગ્સ, અફીણ રૂ.48800નું 488 ગ્રામ, રૂ.4 લાખની બે કાર, રોકડ રૂ.11,600, રૂ.19,500ના પાંચ મોબાઈલ ફોન, ડિજિટલ વજન કાંટો મળીને કુલ રૂ.29.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ક્રાઈમબ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી એમડી ડ્રગ્સ ગુજરાત અને અમદાવાદમાં કોણે કોણે આપવાનું તે તપાસ શરૂ કરી છે. આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કમાં અન્ય ક્યાં લોકોની સંડોવણી છે. એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓની ઉડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી છે.

(5:44 pm IST)