Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ઉકાઇ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાશે- સપાટી 332 ફુટ : પાણીની આવક 1 લાખ 88 હજાર ક્યુસેક

મહારાષ્ટ્ર-મધ્યપર્દેશમાં ભારે વરસાદથી બપોર બાદ ડેમમાં પાણીની આવક બે લાખ ક્યૂસેકને પાર પહોંચશે

સુરત : ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સવારે ઉકાઇ ડેમની સપાટી 332 ફુટ ઉપર પહોંચી છે અને ગઇ રાતથી જ ઉકાઇ ડેમમાં 1 લાખ 88 હજાર 162 ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે. આવા સંજોગોમાં ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં આજે બપોર બાદ 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પડી રહેલા સતત વરસાદને કારણે આજે બપોર પછી ડેમમાં પાણીની આવક બે લાખ ક્યુસેકથી પણ વધારે થશે એવી ધારણા રાખવામાં આવી રહી છે અને ડેમની સપાટી મેઇન્ટેન કરવા માટે હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને એક લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 તાપીમાં સાંજે પાંચ વાગ્યાની આસપાસ આ પાણીનો જથ્થો આવશે અને તકેદારીના પગલા રૂપે સુરત મહાનગ પાલિકા દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાની વાતને પગલે સુરત મહાનગર પાલિકા કમિશનર દ્વારા શહેરીજનોને કોઇ પણ જાતનો ગભરાટ નહીં રાખવાનું જણાવવામાં આવ્યુ છે. તાપી નદીની વહન ક્ષમતા સાડા ત્રણ લાખ ક્યુસેકથી વધારે છે જેથી પૂર આવવાની કે અન્ય કોઇ આફતની સંભાવના નથી અને લોકોને ખોટી રીતે અફવા પણ નહીં ફેલાવવા માટે જણાવવામાં આવ્યુ છે. હાલમાં વિયર કમ કોઝવેની સપાટી 7 મીટરથી વધારે છે અને તેને આવન જાવન માટે બંધ કરવામાં આવ્યો છે.

(1:34 pm IST)