Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ઈડરના મુડેટી પાટીયરમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા જનતા રેઇડ કરવામાં આવી

ઇડર: શહેરના મુડેટી પાટીયામાં આઉટ પોલીસ સ્ટેશન પાસે ચાલતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા ગ્રામજનોની વારંવારની રજુઆત છતાં, પોલીસ તંત્ર પાણીમાં બેસી જતાં આખરે ગુરૂવારે સવારે ગ્રામજનોએ જનતા રેડ કરી એક બુટલેગરને દેશી દારૂના બે કેરબા સાથે રંગેહાથ ઝડપી લઈ પોલીસને સોંપતાં, પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ગ્રામજનોએ ગામમાં દારૂ વેચનારને રૂપિયા ૨૫ હજારના દંડની પણ જાહેરાત કરી હતી.

ઇડર- ભિલોડા હાઈવે પર આવેલા મુડેટી પાટીયામાં આઉટ પોલીસ સ્ટેશનની પાસે દેશીદારૂના પાંચ અડ્ડા ધમધમે છે. અડ્ડા બંધ કરાવવા સ્થાનિક ગ્રામજનો દ્વારા ઇડર પોલીસ મથક તથા આઉટ પોલીસ સ્ટેશનમાં વારંવાર લેખિત-મૌખિક રજુઆતો છતાં, પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નહોંતી. ઉલ્ટુ ગ્રામજનોના જણાવ્યા મુજબ પોલીસનું વર્તન બુટલેગરોને છાવરતા હોય તે પ્રકારનું રહ્યું હતું.ત્રણેક દિવસ અગાઉ ગામના યુવકોએ ભેગા મળી દારૂના ધંધાર્થી તથા સ્થાનિક જમાદાર અને પી.આઈ.ને અલ્ટીમેટમ આપી દારૂના ધંધા બંધ કરવા અને કરાવવા વિનંતી કરી હતી. આખરે ગુરૂવારે સવારે ગ્રામજનોએ ભેગા મળી જનતા રેડ કરી હતી. જનતા રેડમાં એક બુટલેગર દેશી દારૂના બે કેરબા સાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. બાદમાં બાબતે પલીસને જાણ કરાતાં મોડે-મોડે આવેલી પોલીસે મને- કમને પણ બુટલેગર સામે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

(1:25 pm IST)