Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સુરત:સુભાષ નગર ઝૂપડપટ્ટીમાં પાડોશીના ઝઘડામાં છોડાવવા ગયેલ યુવાનના મૃત્યુની ઘટનામાં 4 મહિલા સહીત 10ની ધરપકડ

સુરત: રાંદેર રોડ સુભાષ નગર ઝુપડપટ્ટીમાં પડોશીના પરિવાર વચ્ચે અંદરોઅંદર થઇ રહેલી મારામારીમાં છોડાવવા વચ્ચે પડનાર યુવાનને ધક્કો મારતા પડી જવાથી થયેલી ઇજાને કારણે મોત થવાની ઘટનામાં ગંભીર ગુનાહિત બેદરકારી દાખવવા બદલ રાંદેર પોલીસે 4 મહિલા સહિત 10ની ધરપકડ કરી છે.

રાંદેર રોડ શીતલ ચાર રસ્તા સ્થિત સુભાષ નગર ઝુપડપટ્ટીમાં રહેતા નવાબ શબ્બીર શેખની 3 વર્ષની પુત્રી સુમેરા પહેલા માળેથી નીચે પડી ગઇ હતી. જેથી પડોશમાં રહેતી રૂકશાના ઇલ્યાસ પઠાણએ એવું બોલી હતી કે જે થયું તે સારૂ થયું. જેથી નવાબ અને રૂકશાના તથા તેના પતિ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાની જાણ ઇલ્યાસે કોસંબા રહેતા તેના સંબંધીઓને કરતા તેઓ ઇકો કાર નં. જીજે-5 જેબી-7916માં લઇને ઘસી આવ્યા હતા અને નવાબ શબ્બીર શેખને માર મારી રહ્યા હતા. જેથી પડોશમાં રહેતો રઇશ અનીસ શા (ઉ.વ. 21) નવાબને છોડાવવા માટે વચ્ચે પડયો હતો. પરંતુ ઇલ્યાસના સંબંધીઓએ રઇશને માર માર્યો હતો અને ધક્કો મારતા તે પડી જતા બેભાન થઇ ગયો અને હોસ્પિટલમાં લઇ જવતા મૃત જાહેર કર્યો હતો. ઘટનામાં રાંદેર પોલીસે ગંભીર ગુનાહિત બેદરકારી દાખવવા બદલ આઇપીસી 304, 143, 540 અને 323 મુજબ ગુનો નોંધી રઇશને માર મારનાર ફરીદા મુનાફ પઠાણ (ઉ.વ.46), ફેમીદા મહંમદઅલી પઠાણ (ઉ.વ.33), ખેરૂનિશા હુશેન મુનાફ પઠાણ (ઉ.વ.32), મોઇન મહમંદઅલી પઠાણ (ઉ.વ.39), આમીર ઐયુબ પઠાણ (ઉ.વ.22), શાકીર યુનુસ પઠાણ (ઉ.વ.25), સગીર સામીર પઠાણ (ઉ.વ.22) (તમામ રહે. ઇદગાહ ફળિયું, જુના કોસંબા જિ.સુરત), રૂકશાના ઇલ્યાસ પઠાણ (ઉ.વ. 48), ઇલ્યાસ શેરખાન પઠાણ(ઉ.વ.40) અને નવાબ શબ્બીર શેખ (ઉ.વ.27) (ત્રણેય રહે. સુભાષ નગર ઝુંપડપટ્ટી, શીતલ ચાર રસ્તા, રાંદેર રોડ) ની ધરપકડ કરી છે.

(1:23 pm IST)