Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

નર્મદામાં લોકડાઉનમાં સરકારી અનાજ સગેવગે કર્યાના કૌભાંડ મામલે 1.23 લાખનો દંડ ફટકાર્યો

એપ્રિલ-મેં મહિનામાં ચોખા કાર્ડ ધારકોને ન આપી ઓફલાઈન મેન્યુઅલી એન્ટ્રી કરી જથ્થો સગેવગે કરેલો

રાજપીપળા: લોકડાઉનમાં સરકારે તમામ લોકોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામના રાયસિંગ ગિરીશ વસાવાએ સસ્તા અનાજના દુકાનદાર દ્વારા અનાજ સગેવગે કરાતું હોવાની ફરિયાદ કરી હતી. યુવાનની આ ફરિયાદ બાદ જિલ્લા વહિવટીતંત્રએ તપાસને અંતે દુકાનદારનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરતા ખળભળાટ મચ્યો છે. આ સાથે સગેવગે કરેલું 118429 રૂપિયાનું અનાજ અને 5000 રૂપિયા ડિપોઝીટ મળી કુલ 1,23,429 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ ફરિયાદ મુજબ સરકારે લોકડાઉનમાં દરેક પરિવારને મહિનામાં 2 વાર અનાજ આપવાની જાહેરાત કરી છે. તેમ છતાં મારા કુટુંબને ડેડીયાપાડા પારસી ટેકરી પર રેહતા ઉમરાણમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક દેવરામ.ડી.વસાવા દ્વારા એપ્રિલ-મે 2020માં ફક્ત એક જ વખત અનાજ અને એ પણ નિયમ કરતા ઓછું અપાયું હતું. જૂન મહિનામાં તો એક વખત પણ અનાજ મળ્યું ન હોતું. દુકાનદારે ફક્ત એક જ વખત અનાજ આપ્યું છે જ્યારે મીઠું તો આપ્યું જ નથી. બીજી વખતનું અનાજ ન આપી છેતરપીંડી કરી ખોટા દસ્તાવેજો બનાવી બારોબાર સગેવગે કર્યું હોવાની ફરિયાદ કરી હતી

તપાસ દરમિયાન તંત્રના ધ્યાને આવેલી બાબતોમાં (1) દુકાનદાર પોતે દુકાન ચલાવતો નથી પણ ખાનગી ઓપરેટરને રાખે છે, જેની ગ્રાહક સાથે વર્તણુંક યોગ્ય નથી અને અનાજનો જથ્થો પણ પૂરતો આપતો નથી. સામે બોલવાવાળાને ધમકાવે છે.(2) PMGKAY યોજનામાં એપ્રિલ અને મેં મહિનામાં ચોખા કાર્ડ ધારકોને ન આપી ઓફલાઈન મેન્યુઅલી એન્ટ્રી કરી જથ્થો સગેવગે કર્યો છે.(3) ગ્રાહકોને મળવાપાત્ર ફૂડ કૂપનો જેતે ગ્રાહકને અપાઈ નથી, દુકાન કામકાજના સમય દરમિયાન ખોલાઈ હોય એવું ધ્યાને આવ્યું નથી. તપાસ સમયે હિસાબો રજૂ કર્યાં ન હતાં.(4) ક્રોસ ચેકીંગ દરમિયાન દુકાનદારે 73 જેટલા રાશનકાર્ડ ધારકોને 3783 કિલો ઘઉં (68094 રૂપિયા), 1882 કિલો ચોખા (41404 રૂપિયા), 77 કિલો ખાંડ (2541 રૂપિયા), 60 કિલો ચણા/ચણાદાળ (4800 રૂપિયા), 60 કિલો મીઠું (600 રૂપિયા), 33 લિટર કેરોસીન (990 રૂપિયા) કાર્ડ ધારકોને ન આપી સગેવગે કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામના સસ્તા અનાજ દુકાનમાં અનાજ સગેવગે કરાતું હોવાનું માની લાયસન્સ રદ કર્યું છે. પણ પુરવઠા વિભાગે ફક્ત દંડ કરી લાયસન્સ રદ કરી કેમ સંતોષ માન્યો. આ તપાસને ત્રણ મહિના થયા તો દુકાનદારે ત્રણ મહિના સુધી સરકારના નાણાં વાપર્યા તેને સરકારી નાણાની ઉચાપાત ગણી પોલીસ કાર્યવાહી કેમ ન કરી. શું આ કાર્યવાહીમાં પણ પુરવઠા વિભાગનો કોઈ ફાયદો છે જેવાં અનેક સવાલો લોકો કરી રહ્યાં છે અને આ દુકાનદાર વિરુદ્ધ પોલિસ કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. આ સાથે જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો પર ધનિષ્ઠ તપાસની માંગ પણ ઉઠી છે.

(12:14 pm IST)