Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

NDRFની 21 જવાનોની ટીમ બનાસકાંઠામાં તૈનાત : ભૂતકાળનું પુનરાવર્તન અટકાવવા સરકાર એલર્ટ

જિલ્લા કક્ષાએ પણ એસડીએમની ટીમ કાર્યરત : મામલતદાર, ફોરેસ્ટ પોલીસ અને તાલુકા વિકાસ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાનો આદેશ

બનાસકાંઠા : આગામી 5 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. એવામાં સૌરાષ્ટ્રમાં નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. બીજી બાજુ રાજ્યના બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે સરકાર એલર્ટ થઇ છે. રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરી દીધી છે. ત્યારે બનાસકાંઠામાં 20177માં જેવું પૂર આવ્યું હતું તેવી જ સ્થિતિ ફરી ન સર્જાય તે માટે એલર્ટ થઇ ગઇ છે.

 છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા સમયમાં બનાસકાંઠામાં પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને લીધે બનાસકાંઠામાં 2017ના પૂરમાં થયેલા વિનાશ જેવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઇ છે. સરકારે બનાસકાંઠામાં પણ NDRFની ટીમ ઉતારી દીધી છે. આ સાથે જ એસડીએમ ટીમ પોલીસ અને ફોરેસ્ટ પણ વરસાદની પરિસ્થિતિમાં મહત્વનો ભાગ ભજવશે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથમાં NDRF ટીમ તૈનાત કરાઇ છે. બીજી બાજુ અમરેલી, ભાવનગર, લખતર, સુરત, વલસાડ અને નવસારીમાં પણ NDRF ટીમ તૈનાત કરાઇ છે. જ્યારે અન્ય એક ટીમ વડોદરા હેડ ક્વાર્ટરમાં તૈનાત રહેશે.

કચ્છ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તારીખ 14, 15, 16 અને 17 ઓગસ્ટે ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે બનાસકાંઠામાં NDRFની ટીમ ઉતારી દેવાઇ છે. બીજી બાજુ જિલ્લા કક્ષાએ પણ એસડીએમની ટીમ કાર્યરત રહેશે. જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ ઉપરાંત મામલતદાર, ફોરેસ્ટ પોલીસ અને તાલુકા વિકાસ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાનો આદેશ અપાયો છે.

જો બનાસકાંઠામાં ભારે વરસાદ આવે તો આધુનિક સાધનોથી સજ્જ NDRFની ટીમ પૂર બચાવની કામગીરી કરશે. ઉપરાંત કોરોનાની મહામારીને કારણે PPE કીટ પણ NDRFને ફાળવવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખી NDRFની 21 જવાનોની ટીમ બનાસકાંઠામાં ભારે વરસાદમાં પણ બચાવ કામગીરી હાથ ધરશે.

(11:33 am IST)