Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

વ્યાજખોરોના ત્રાસથી મહિલાનો જાહેરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

૧૦ ટકાનું તોતિંગ વ્યાજ વસૂલતી બે સગી બહેનોએ માર મારી તથા પઠાણી ઉઘરાણીથી કંટાળી આવું પગલું ભર્યું

અમદાવાદ: 10%નું તોતિંગ વ્યાજ વસૂલતી બે સગી બહેનોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જૂના વાડજ વિસ્તારમાં રહેતી મહિલાએ ગુરુવારે સવારે મચ્છર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

મહિલાએ બંને બહેનોને મૂડીની રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપી બહેનો વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી હતી. મહિલાએ બંનેને હાલમાં મારી પાસે કોઈ કામધંધો નથી અને પૈસા પણ નથી તેમ જણાવ્યું હતું. આથી ઉશ્કેરાયેલી બંને વ્યાજખોર બહેનોએ પઠાણી સ્ટાઈલથી મહિલાને મારમારી, ઘરમાં તોડફોડ કરીને અપશબ્દો બોલી ધાક ધમકી આપી હતી. આ બનાવને પગલે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા.

વાડજ પોલીસ સ્ટેશનમાં જૂના વાડજ ખાતે તુલસી નગરમાં રહેતાં 45 વર્ષીય નયનાબેન ધનજીભાઈ વાઘેલાએ પડોશમાં રહેતી અને વ્યાજનો ધંધો કરતી બે સગી બહેન સોનલ નરેશ રાઠોડ અને લીલા હસમુખ પરમાર તેમજ લીલા પરમારના પુત્ર હર્ષદ વિરુદ્ધ ફરિયાદ કરી છે.

આ અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, નયનાબેને 3 વર્ષ અગાઉ સોનલ પાસેથી રૂ.80 હજાર અને લીલા પાસેથી રૂ. 1.70 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. સોનલને બે કોરા ચેક અને બાઈકના કાગળો આપ્યા હતા. જ્યારે લીલા પરમારે કાગળ પર 4 ટકા વ્યાજનું લખાણ કરાવી ચેક અને આધાર કાર્ડની ઝેરોક્ષ લીધી હતી. સોનલ અને લીલા બંને બહેનોને મૂડીના પૈસા ચૂકવી દીધા છતાં વ્યાજના પૈસાની ઉઘરાણી તે નયનાબહેન પાસે કરતી હતી.

ગત બુધવારે લીલા પરમારનો પુત્ર હર્ષદ મોડી રાત્રે દોઢ વાગ્યે નયનાબહેનના ઘરે પહોંચ્યો હતો. નયનાબેનના પતિ ધનજીભાઈ પાસે પૈસાની ઉઘરાણી કરતો હતો. ધનજીભાઈએ અમારી પાસે પૈસા નથી તેમ કહેતા હર્ષદ અપશબ્દો બોલી નીકળી ગયો હતો.

શુક્રવારે સવારે 10.30 વાગ્યે સોનલ અને લીલા પરમાર બંને બહેનોએ નયનાબહેનના ઘરે જઈ તમાશો કર્યો તેમજ ઘરમાં તોડફોડ કરી નયનાબહેનને જાહેરમાં ગડદાપાટુનો માર માર્યો હતો. બંને બહેનોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત નયનાબહેને મચ્છર મારવાની દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ વાડજ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:00 am IST)