Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

બ્લડ અને ઓર્ગન પછી પ્લાઝમાનું દાન કરવામાં સુરતીઓ મોખરે: 514 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા

રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરીને માનવીય પહેલ કરી હીર ઝળકાવ્યું

સુરત: સુરતમાં ગમે તેવી મોટી આફત આવી ત્યારે દાનવીર ભામાશાઓએ મદદનો હાથ લંબાવી અસરગ્રસ્તોને બેઠાં કરવામાં અગ્રેસર રહ્યાં છે.પુર કે પ્લેગ જેવી કુદરતી આફતો સામે બાથ ભીડીને સૂરત ફરી પાછુ બેઠું થઈ અગાઉ કરતાં વધુ ઝડપે દોડતુ થયું છે, ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીએ જ્યારે સૂરતમાં પગ જમાવ્યો છે. કોરોના સામે લડવામાં અસરકારક પ્લાઝમા ડોનેટ કરવા સુરતીઓ રાજયભરમાં અગ્રેસર રહ્યા છે. ખાસ કરીને સુરતને કર્મભુમિ બનાવીને રહેતા રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરીને માનવીય પહેલ કરી છે, તો અન્ય સુરતીઓ પણ પાછળ નથી.

હાલ કોરોનાની કોઈ દવા ન હોવાથી અન્ય ઉપાયો દ્વારા કોરોનાના દર્દીઓને સ્વસ્થ કરવામાં આવી રહ્યા છે, જેમાં પ્લાઝમા થેરાપી અસરકારક સાબિત થઈ છે. સૂરતની નામાંકિત યુનિક જેમ્સ કંપનીના 41 રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કરીને સમગ્ર દેશને નવી રાહ ચીંધ્યો છે. માણસાઈના દીવા સમાન, હીરા પર પાસા પાડનારા આ રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરી દાનનું હીર ઝળકાવી ‘ખરા હીરા’ બન્યા છે.

એક સમયે રકતદાનને મહા દાન કહેવામાં આવતું હતું, પરંતુ સુરતીઓ રક્તદાનની સાથે અંગદાન કરીને માનવતા મહેકાવી છે, રક્તદાન અને અંગદાનમાં હંમેશા પ્રથમ ક્રમે રહેલા સુરતમાં હવે 514 વ્યકિતઓએ પ્લાઝમાનું દાન કરીને ગુજરાતમાં પ્રથમક્રમે આગળ વધી રહ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓની વ્હારે આવીને પોતાનું પ્લાઝમા દાન કરવામાં સુરતીઓએ લહેરીલાલાનો આગવો મીજાજ બતાવ્યો છે. જન્મદિવસને કે અન્ય પ્રસંગ દિવસને યાદગાર બનાવી સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરી રહ્યા છે. તો કોરોના વાયરસ સામે લડતા સંક્રમિત દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ થવામાં આગવું બળ પુરૂં પાડી રહ્યા છે.

રોજીરોટી અર્થે સુરતને કર્મભુમિ બનાવી, વસતા રત્નકલાકારો કોરોના દર્દીઓ માટે જીવંત હીરા સાબિત થાય છે. ડાયમંડ ઉદ્યોગપતિઓના પ્રોત્સાહનથી પ્લાઝમા દાન માટે પ્રેરક કદમ ઉઠાવ્યું છે. કતારગામની ‘યુનિક જેમ્સ’ ડાયમંડ કંપનીમાં કામ કરતાં જયેશભાઈ મોણપરાને નજીકના સંબંધીનો વિનંતી સાથે ફોન આવ્યો કે, પ્લાઝમાની તાતી જરૂરીયાત છે, આપના પ્લાઝમાની જરૂરિયાત છે. જયેશભાઈએ તૈયારી બતાવીને સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું. તેમનો તા. 30મી જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 15 દિવસ હોમ આઈસોલેટ રહીને કોરોનાને મ્હાત આપી હતી અને 28 દિવસ બાદ તેમણે પ્લાઝમા ડોનેટ કર્યું. પ્લાઝમા ડોનેટ માટે એન્ટી બોડી ટેસ્ટ કરાવવો પડે તેવી વિગતોથી માહિતગાર જયેશભાઈએ ડોનેટ દરમિયાન પ્લાઝમા બેંકના ડો. અંકિતાબેન શાહને વાત કરી કે, અમારી કંપનીમાં 80થી વધુ રત્ન કલાકારોના એન્ટી બોડી ટેસ્ટ કરાવ્યા છે.

પ્લાઝમા બેંકના ડો.અંકિતા શાહે જણાવ્યું કે,અમારી ટીમે યુનિક જેમ્સના ડિરેક્ટર દિલીપભાઈ કેવડિયાનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યું કે, 80 રત્નકલાકારો પૈકીના 66થી વધુ રત્નકલાકારોના એન્ટી બોડી ડેવલપ થઈ ચૂકયા છે. દિલીપભાઈએ કંપનીના રત્નકલાકારોને પ્લાઝમા માટે પ્રોત્સાહિત કરતા આ રત્નકલાકારોએ તરંત જ પોતાના પ્લાઝમા આપવાની તૈયારી દર્શાવી હતી. પ્રથમ તબક્કે 66 રત્ન કલાકારોના એન્ટી-બોડી ટેસ્ટ કરાવીને તબક્કાવાર 41 રત્ન કલાકારોના પ્લાઝમા કલેકટ કર્યા છે, જયારે બાકી 25 રત્નકલાકારો આગામી સમયમાં પોતાના પ્લાઝમાનું દાન કરશે.

યુનિક જેમ્સના પાર્ટનર દર્શનભાઈ સલીયાએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા મે મહિનામાં લોકડાઉનમાં આંશિક છૂટછાટ મળતા સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ ગન, ઓક્સિમીટર, સેનેટાઈઝિંગ જેવી તકેદારી રાખી ડાયમંડ પ્રોડક્શન કાર્ય શરૂ કર્યું હતું. આ સમય દરમ્યાન ઘણી ડાયમંડ કંપનીના રત્નકલાકારો કોરોના સંક્રમિત થયા હતા. અમારી કંપનીમાં પણ છ રત્નકલાકારો સંક્રમિત થયા હતા. જેથી ત્રણ સપ્તાહ કંપની બંધ રાખવી પડી. ત્યાર બાદ 14મી જુલાઈએ કામ શરૂ કર્યું. છેલ્લા બે થી ત્રણ મહિના દરમિયાન કંપનીમાં જેટલા પણ રત્નકલાકારોને શરદી, ખાંસી કે તાવના લક્ષણો થયા હોય તેઓનો હેલ્થ ડેટા કલેકટ કરીને કંપનીએ સ્વખર્ચે તમામના એન્ટીબોડી રિપોર્ટ કરાવ્યા હતા. જે પૈકી 80થી વધુ રત્નકલાકારોમાં રોગ પ્રતિકાકર કોષો-પ્લાઝમા બની ચૂકયા હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. હાલમાં અમારી કંપનીમાં એક મહિનાથી કોઈ રત્નકલાકારોને કોઈ પ્રકારના લક્ષણો જણાયા નથી.

કંપનીમાં કામ કરતા જયેશભાઈ મોણપરાએ જણાવ્યું કે,કોરોના સામે લડવા માટે વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ થાય તે જરૂરી છે. અમે કંપનીના અન્ય રત્નકલાકારોને કોઈના ઘરનો ચિરાગ ન બુઝાઈ જાય એના માટે પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. પરિણામે અમારા તમામ કર્મચારીઓ સમાજ માટે આ સેવાકાર્યમાં પ્લાઝમાં દાન કરવા આગળ આવ્યા. એટલુ જ નહિ બીજીવાર પણ પ્લાઝમાં દાન કરવા તૈયારી તેમણે દર્શાવી છે.

પ્લાઝમા ડોનેટ કરનાર 38 વર્ષિય રત્નકલાકાર વિકાસભાઈ ગોહિલ જણાવ્યું કે,કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ઘરે હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ થયો છું. કંપનીના માલીકે મને પ્રેરીત કર્યો કે, કોરોનામાંથી સ્વસ્થ થયેલા વ્યકિતમાં એન્ટી બોડી થકી અન્યનું જીવન બચાવી શકાય છે. જેથી મે પણ સ્મીમેર હોસ્પિટલ ખાતેની પ્લાઝમા બેન્કમાં પ્લાઝમાં ડોનેટ કર્યું મારા પ્લાઝમાથી બે વ્યક્તિને નવજીવન મળશે તેની મને ઘણી ખુશી છે. આગળ આવા સમાજહિતના ઉમદા કાર્યમાં હંમેશા શક્ય તેટલું યોગદાન આપીશ. તેવો પણ મે સંકલ્પ કર્યો છે.

પ્લાઝમા ડોનેટ કરવા માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થયાના 28 દિવસ બાદ એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવે છે. વ્યકિતના શરીરમાં IgG પ્રકાર નાં એન્ટીબોડી બન્યા હોય તેઓ જ પ્લાઝમા આપી શકે છે. ઉદાહરણ દ્વારા સરળ રીતે સમજીએ તો કોઈ એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત બને ત્યારે જો તેમની રોગપ્રતિકારક શક્તિ બરાબર હોય તો લોહીમાં રહેલા રોગપ્રતિકારક કોષો કોરોના વાયરસ ની વિરુદ્ધ લડી શકે તેવા એન્ટીબોડી બનાવવા લાગે છે. આ વ્યક્તિ શરીરની રોગપ્રતિકારક શક્તિના કારણે રિકવર થઈ જાય છે. રીકવરી બાદ આપણુ શરીર IgG  પ્રકારનાં એન્ટીબોડી બનાવવા લાગે છે. જો આવા વ્યક્તિનો IgG એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવે તો તેના શરીરમાંથી IgG એન્ટીબોડીઝની હાજરી જાણી શકાય છે. જેથી IgG એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યાં બાદ જે તે વ્યકિત પ્લાઝમા આપી શકે છે.

સ્મીમેર હોસ્પિટલની પ્લાઝમાં બ્લડ બેંકના હેડ ડો. અંકિતા શાહ જણાવે છે કે, છે બ્લડ સેમ્પલના કોવિડ IgG એન્ટીબોડી ટેસ્ટથી શરીરમાં એન્ટીબોડીઝની માત્રા અને હાજરીની જાણ થાય છે, જે દર્શાવે છે કે તમે વાયરસના ભોગ બન્યા હતાં કે નહીં. એન્ટીબોડીઝ હકીકતમાં એક એવું પ્રોટીન છે જે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. IgG એન્ટિ-બોડીઝથી સમૃદ્ધ થયેલા પ્લાઝમાને કોરોના સામે ઝઝૂમી રહેલા દર્દીઓને ચડાવીને નવજીવન આપી શકાય છે. પ્લાઝમા આપવાનું ખુબ સરળ છે. તમારું શરીર તમે પ્લાઝમાનું દાન કરો તેની સાથે નવેસરથી એન્ટિબોડીઝ બનાવવા લાગે છે. પુનઃ સ્વસ્થતા પછી એક વ્યક્તિના પ્લાઝમા દાન કરવાથી બે જિંદગીઓ બચાવી શકાય છે. 

સ્મીમેર બ્લડ બેંક ખાતે ગાઈડલાઈન મુજબ કોવિડ એન્ટીબોડી ની હાજરી અને માત્રા જાણવા માટે અદ્યતન CLIA (Chemiluminescence) ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.

સુરતમાં 514 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા છે આ મુજબ છે
(1) સ્મીમેર હોસ્પિટલમાં 289 વ્યકિતઓએ ડોનેટ કર્યા જ્યારે 479 ઈસ્યુ કર્યા
(2) સિવિલ હોસ્પિટલમાં 140 વ્યકિતઓએ ડોનેટ કર્યા, તેની સામે 308 ઈસ્યુ કર્યા
(3) લોક સમર્પણ રકતદાન કેન્દ્રમાં 80 વ્યકિતઓએ ડોનેટ કર્યા જેમાંથી 160 ઈસ્યુ કરાયા
(4) સુરત રકતદાન કેન્દ્રમાં 5 ડોનેટ જ્યારે 10 ઇસ્યુ કરાયા.

 

(10:17 pm IST)
  • ન્યુઝિલેન્ડમાં આગામી 12 દિવસ માટે દેશવ્યાપી સજ્જળ લોકડાઉનની ઘોષણા કરાઈ : ન્યુઝીલેન્ડમાં કુલ 48 નવા કોરોના ચેપના કેસ મળી આવ્યા : વડા પ્રધાને નવી વેતન સબસિડી જાહેર કરી : 30,000 COVID-19 પરીક્ષણ છેલ્લા 48 કલાકમાં કરવામાં આવ્યા હોવાનું ન્યૂઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે access_time 1:14 pm IST

  • ગેહલોત સરકારની આજે કસોટી ભાજપ આજે શુક્રવારે રાજસ્થાન વિધાનસભામાં ગેહલોતની કોંગી સરકાર વિરુદ્ઘ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરશે તેમ વિપક્ષી ભાજપ નેતા ગુલાબચંદ કટારીયાએ જણાવ્યું છે. તો એક અહેવાલ મુજબ ગેહલોત સરકાર વિશ્વાસનો મત માગશે તેમ કોંગી નેતાએ કહ્યું છે. access_time 11:53 am IST

  • સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી માધ્યમ ભારે વરસાદ ચાલુ છે. આણંદમાં ૧૩ થી ૧૪ ઇંચ પાણી પડી ગયું access_time 1:55 pm IST