Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ગુજરાત રાજ્યમાં પુરગ્રસ્ત વિસ્‍તારોના ૧૦ જિલ્લામાં ૨ લાખથી વધુ વ્‍યકિતઓને રૂ.૪૦૮ લાખની કેશડોલ ચુકવાઇ

ગાંધીનગર: મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ચાલુ મોસમ દરમિયાન 84 ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે. અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાથી જનજીવન પ્રભાવિત થયું હતું. પરંતુ, રાજ્ય સરકારની સતર્કતા અને સમયબદ્ધ આયોજનના પરિણામે કોઇ મોટી જાનહાની થઇ નથી.

કૌશિક પટેલે જણાવ્યું કે, ભારે વરસાદને પરિણામે ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સતત મોનીટરીંગ અને માર્ગદર્શનના પરિણામે વહીવટીતંત્ર દ્વારા સમયબદ્ધ આયોજન થયું. મુખ્યમંત્રી દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રૂબરૂ સમીક્ષા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના પરિણામે રાજ્યમાં પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં જનજીવનને વધુ નુકશાન થયુ નથી અને ઝડપથી રાબેતા મુજબ બનાવી શકાયું છે.

તેમણે જણાવ્યું કે, ચાલુ મોસમમાં રાજ્યના વલસાડ, ભરૂચ, નવસારી, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ મળી કુલ 18 જિલ્લાઓ ભારે વરસાદથી પ્રભાવિત થયા હતા. ત્યાં સ્થાનિક વહીવટીતંત્રની સતર્કતા અને આયોજનને પરિણામે અત્યાર સુધીમાં 59,448 નાગરિકોને 102 જેટલા વિવિઘ આશ્રયસ્થાનોમાં સલામત સ્થળે ખસેડાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એન.જી.. તથા જનભાગીદારી થકી 8,09,870 જેટલા ફુડ પેકેટ્સનું પણ વિતરણ તથા સ્થાનિક કક્ષાએ જમવાની વ્યવસ્થા ઉપલબ્ઘ કરવામાં આવી હતી.

કૌશિક પટેલે કહ્યું કે, ભારે વરસાદથી અસર પામલા જિલ્લાઓમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના સહયોગથી રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી. જેમાં 24 એનડીઆરએફ અને 11 એસડીઆરએફની ટીમો દ્વારા શ્રેષ્ઠ રાહત બચાવની કામગીરી કરી છે. સાથે સાથે સ્થાનિક પોલીસ તંત્ર અને મહેસુલ વિભાગના સંકલનના પરિણામે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારી, નર્મદા, ભરૂચ, વલસાડ, સરત, વડોદરા, સુરેન્દ્રનગર, જામનગર, ખેડા, મોરબી, કચ્છ અને અમદાવાદમાંથી 1,080 નાગરિકોને રેસ્ક્યુ દ્વારા બચાવાયા છે.

ઇન્ડિયન એર ફોર્સ દ્વારા પણ નવસારી, સુરત, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ જિલ્લામાં નાગરિકો પૂરના પાણીમાં ફસાયા હતા. તે 195 નાગરિકોને એરલીફટ કરીને બચાવી લેવાયા છે અને બાકીના લોકોને એનડીઆરએફ ટીમ દ્વારા બચાવી લેવાયા છે. સાથે સાથે વડોદરા અને રાજકોટ ખાતે બે આર્મીની ટીમ દ્વારા રેસ્કયુ કામગીરી કરાઇ છે. વધુમાં કૌશિક પટેલે જણાવ્યું કે, પૂરથી પ્રભાવીત થયેલા 10 જિલ્લાના 2,22,487 વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા 408 લાખની રકમ કેશડોલ્સ પેટે ચૂકવી દેવાઇ છે. તથા રાજયનાં 5 જિલ્લામાં 632 લાખની ઘરવખરી સહાય ચૂકવાઇ દેવામાં આવેલ છે.

ભારે વરસાદને પરિણામે રાજ્યભરમાં 8400 ગામોમાં વીજ પુરવઠાને અસર થઇ હતી. તે પૈકી 8342 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. 58 ગામોમાં કામગીરી પ્રગતિમાં છે જે સત્વરે પૂર્વવત કરાશે. રીતે વરસાદથી એસ.ટી.ના 1277 રૂટ અને 9292 ટ્રીપો બંધ થઇ હતી તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સરાહનીય કામગીરીને પરિણામે તમામ રૂટ પુન:પ્રસ્થાપિત કરી દેવાયા છે. રીતે વાહન વ્યવહાર માટે જે રસ્તાઓ અસર પામ્યા હતા તે તમામ પુન:પ્રસ્થાપિત કરી દેવાયા છે.

આજ સુધીમાં 4 સ્ટેટ હાઇવે, 7 અન્ય માર્ગો, 98 પંચાયત માર્ગો મળી કુલ 109 રસ્તાઓ બંધ છે જે તાત્કાલિક શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કૌશિક પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ચાલુ મોસમ દરમિયાન 84 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસી ગયો છે. 251 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. દરેક તાલુકામાં કુલ 5 ઇંચ કરતાં વઘુ વરસાદ થયેલ છે. 100 તાલુકાઓ એવા છે કે, જેમાં 251થી 500 મિમી જેટલો અને 93 તાલુકાઓમાં 501થી 1000 મિમી જેટલો વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદને પરિણામે રાજ્યના ૫૨ જળાશયોને હાઇ એલર્ટ, 10 જળાશયોને એલર્ટ અને 7 જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે. આજની તારીખે નર્મદા ડેમ 131.86 મીટરની સપાટીએ છે. 1,17,176 ક્યુસેક પાણીની આવક છે. કડાણા ડેમ 126.85 મીટરે છે, જેમાં 16,249 ક્યુસેક પાણીની આવક છે. ઉકાઇ ડેમ 102.70 મીટરે છે અને 82,949 ક્યુસેક પાણીની આવક અને કરજણ ડેમ 109.60 મીટર પર અને 8572 કયુસેક પાણીની આવક તથા દમણગંગા ડેમ 75.80 મીટર પર છે જેમાં 9962 ક્યુસેક પાણીની આવક છે તેમ તેમણે ઉમેર્યું છે.

(5:04 pm IST)
  • જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલની ધરપકડ : તેઓ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ છે અને ૩૭૦ મી કલમ હટાવવાનો વિરોધ કરેલ આમ કાશ્મીરના વધુ એક અલગાવવાદી નેતાની અટક છે access_time 4:18 pm IST

  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST

  • અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST