Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

આતંકી હુમલાને પગલે શામળાજી મંદિરમાં હાઇઅલર્ટ, જવાનો ચોવીસ કલાક ખડેપગે

ભિલોડા તા.૧૪: સેન્ટ્રલ આઇબીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ અને ૧૫ ઓગસ્ટને અનુલક્ષીને દેશભરમાં એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે આઇબીને મળેલા મહત્વના ઇનપુટ અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થઇ શકે છે. જેને પગલે રાજ્યભરમાં મહત્વનાં સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે અરવલ્લીના શામળાજી ખાતે પણ ચોવીસે કલાક પોલીસ જવાનો ખડેપગે રહીને મંદીર પરિસરમાં સુરક્ષા કરી રહ્યા છે.

આતંકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતનાં યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષા સાબદી કરાઇ છે. શ્રાવણ માસને લઇ શામળાજી મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળે છે. રાજસ્થાન રાજ્યમાંથી પ્રવેશતાં તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.૭૩મા સ્વાતંત્ર્ય પર્વમાં આતંકી હુમલાની દહેશત હોવાથી આઇબીના ઇનપુટના આધારે શામળાજી પીએસઆઇ સંજય શર્મા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ અને શામળાજી મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(3:45 pm IST)