Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

પ્રેમ પ્રકરણમાં આઇએએસ વિજય દહિયા સસ્પેન્ડ થયા

સહકાર નહી આપવા બદલ શિક્ષાત્મક નિર્ણય : રાજ્ય સરકારે વિજય દહિયાની સામે શિસ્તભંગના પગલાં અને તપાસની કાર્યવાહીને પગલે સસ્પેન્શન હેઠળ મુકાયા

અમદાવાદ, તા.૧૪ : સને ૨૦૧૦ની બેચના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની યુવતીએ કરેલા છેતરપિંડી, લગ્નેત્તર સંબંધો અને ધાકધમકીના આક્ષેપોની તપાસ કરતી સમિતિએ સરકારને સોંપેલા અહેવાલ અને યુપીએસસીની મંજૂરી લીધા બાદ તેમજ તપાસ સમિતિને સહકાર નહી આપવાના કારણે આખરે  દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. રાજય સરકારે દહિયાને ફરજ મોકૂફ સસ્પેન્શનમાં મુકવા આદેશ કર્યો હતો. તેમની સામે ચાલતી શિસ્તભંગના પગલાં અને તપાસની કારણે રાજ્ય સરકારે તેમને સસ્પેન્શનમાં મુકવા આદેશ કર્યો હતો.

      જેને પગલે સરકારી બ્યુરોક્રેસીમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, સામાન્ય વહીવટ વિભાગે અભ્યાસ કરીને ભલામણો મુખ્યમંત્રીને આપી હતી તેમાં તપાસ સમિતિએ અધિકારીને સેવામાંથી હાંકી કાઢવા જોઇએ તેવી ભલામણ કરી હતી. તપાસ સમિતિએ દહિયા, આક્ષેપ કરનારી યુવતી લીનુ સિંઘ, પૂર્વ પત્નીના પરિજનો અને હાલ તેમની સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહેતી યુવતી સહિતના લોકોના નિવેદનો નોંધ્યાં હતા અને તેમાં દહિયા સામે લીનુએ કરેલાં આક્ષેપો સિધ્ધ થયા હતાં.

    છૂટાછેડા વગર પરણિત હોવા છતાં અન્ય સ્ત્રી સાથે સંબંધો અને ત્યારબાદ તે સ્ત્રીને તરછોડી વળી બીજી યુવતી સાથે સંબંધોને કારણે દહિયા પોતે ભ્રમરવૃત્તિના હોય તેવું પણ સમિતિના મહિલા અધિકારીઓએ નોંધ્યું હતું. સમિતિએ લીનુ સિંઘે આપેલા તમામ દસ્તાવેજો ચકાસી તેની ખરાઇ કરી હતી અને તે સાચા સાબિત થયાં હતા. આ ઉપરાંત દહિયાએ લીનુ સિંઘને દિલ્હીમાં અને ત્રીજી યુવતીને અમદાવાદમાં અપાવેલા મકાનો પણ ભ્રષ્ટાચાર અને આવકના પ્રમાણમાં વધુ સંપત્તિનો કેસ હોવાનું તારણ પણ સમિતિએ ચકાસેલા અન્ય પાસાઓ પરથી આવ્યું હતું. જો કે, આજે સરકારે દહિયાને સસ્પેન્ડ કરી દેતાં સરકારી વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(7:42 pm IST)