Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

નર્મદાના નાંદોડ તાલુકાના જીતનગર નન્દીકેશ્વર મહાદેવ મંદિરે સવા લાખ શિવલિંગની પૂજાનું મહત્વઃ પાર્થેશ્વર પૂજામાં ઊમટતા ભાવિકો

નર્મદા: શ્રાવણ માસ શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનો પર્વ છે. માસમાં ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે નર્મદા જીલ્લામાં પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમોની ભરમાર શરૂ થાય છે. જેમાં ખાસ કરીને શ્રાવણ માસ હવે ચરમસીમાએ છે. ત્યારે શિવાલયોમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. હાલ નાંદોદ તાલુકાના જીતનગર નન્દીકેશ્વર મહાદેવના મંદિરે સવાલાખ ચિંતામણી પાર્થેશ્વરના શિવલિંગ બનાવવાનું કાર્ય વેદોક્ત મંત્રીચ્ચાર સાથે ચાલુ છે. ત્યારે અહી દુરદુરથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે.

શ્રાવણ મહિનાના પ્રારંભથી નર્મદા જીલ્લાના શિવાલયોમાં ઓમ નમ: શિવાયના નાદ સાથે ભક્તો શિવાલયોમાં ઉમટી પડે છે. નાંદોદ તાલુકાના જીતનગરમાં આવેલ નન્દીકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ નિમિતે દરરોજ નવા નવા શૃંગાર ભગવાન શિવજીના દર્શન થાય છે. 500 વર્ષ જુના પૌરાણિક મંદિરે સંધ્યા સમયે શંખનાદ અને ઘંટારવથી મંદિર ગુંજી ઉઠે છે અને દર્શનાર્થીઓની ભીડ જામે છે. ખાસ કરીને અહી શ્રાવણ માસ દરમિયાન થતા પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ છે.

યજમાનો પોતાની ઈચ્છાપુરતી થતા પૂજન કરાવતા હોય છે. શ્રાવણ માસમાં શિવપૂજનની સાથે પાર્થિવ પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે. જેમાં શિવઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાનાં-નાનાં શિવલિંગો બનાવીને તેની પૂજા-અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે. પાર્થેશ્વરશિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૂપે વિસર્જનની ક્રિયામાં જોડાય છે.

પાર્થેશ્વર પૂજા ચિંતામણી સમાન છે. સર્વ કાર્ય સિદ્ધિદાયક છે. શ્રાવણ માસ દરમિયાન જુદી-જુદી સંખ્યામાં વિવિધ સામગ્રીથી પાર્થેશ્વર શિવલિંગ બનાવીને પૂજન કરવામાં આવે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થો ચરિતાર્થ થાય છે. જીતનગર નન્દીકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગની પૂજા કરવામાં આવે છે. દરરોજ 5000 જેટલા માટીના નાના શિવલિંગ તૈયાર કરવામાં આવે છે અને વાર પ્રમાણે વિવીધ યંત્રો તૈયાર કરવામાં આવે છે. માટે નદીમાંથી સુધ્ધ માટી લાવી તેને ગૂંદીને નાના નાના શિવલીંગો રોજ તૈયાર કરવામાં આવે છે.

માટે જીતનગરમાં ખાસ રાજસ્થાન, કાશી, ઉજ્જૈન, બનારસથી બ્રાહ્મણોને બોલાવવામાં આવે છે. 1 મહિના માટે પધારેલા જાણકાર બ્રહ્મનો કરજણ નદીના કિનારેથી શુદ્ધ માટી લાવી સમગ્ર માસ દરમિયાન સવાલાખ શિવલિંગ બનાવે છે. અહી શ્રાવણ માસ દરમિયાન દરરોજ જુદાજુદા આકારના યંત્રો બનાવવામાં આવે છે અને સવારથી સાંજ સુધી નાના શિવલીંગોને વાર પ્રમાણે જુદા જુદા યંત્રોના આકારમાં ગોઠવે છે. દરરોજ સાંજે ષોડશોપચાર પૂજા વિધિ કરી ચોખા ચોટાડી પ્રતિષ્ઠા કરી અભિષેક કરી વિધિવત પૂજા કરાય છે.

રવિવારે સૂર્ય યંત્ર, સોમવારે નાગપાસ યંત્ર, મંગરવારે ત્રિકોણ યંત્ર, બુધવારે કશ્યપ યંત્ર, ગુરુવારે પદ્મ યંત્ર, શુક્રવારે તારા યંત્ર, શનિવારે ધનુષબાણ યંત્ર બનાવાય છે. સાંજે વિધિવત પૂજા આરતી કરી તળાવમાં વિસર્જન કરાય છે. શ્રાવણ માસમાં સૌપ્રથમ પ્રકારની પૂજા પાર્વતીજીએ શિવજીને પ્રસન્ન કરવા કરી હતી. ત્યારથી લોકો પોતાના મનોવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટે ચિંતામણી પાર્થેશ્વરની પૂજા કરવામાં આવે છે. પુરાણોમાં કહેવાયું છે કે ભગવાન રામે પણ પ્રમાણે ચિંતામણી કરી શિવજીની કૃપા મેળવી હતી. ત્યારે આજે પણ દુરદુરથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે.

કહેવાય છે કે, નર્મદામાં જેટલા કંકર એટલા સંકર અને હિન્દુધર્મમાં શ્રાવણ માસને પ્રવિત્ર માસ ગણવામાં આવે છે. ત્યારે શિવાલયોમાં હરહર મહાદેવના નાદની ગુંજ સાથે આખુંય વાતાવરણ ભક્તિમય બને છે. શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું અને નન્દીકેશ્વર મહાદેવના મંદિરે પાર્થેશ્વર શિવલિંગનું પૂજન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

(4:36 pm IST)