Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સરદારનગર : ટલેગર રાજુ ગેંડીના પુત્ર પર ગોળીબાર થયો

રાજુ ગેંડી પાસે દસ લાખની ખંડણી મંગાઇ હતીઃ જો કે, ફાયરીંગ કોઇ ઇજા કે જાનહાનિ નહી ઃ સરદારનગર પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ આરંભી

અમદાવાદ, તા.૧૪: હેરના સરદારનગર વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીના પુત્ર રવિ પર બુટલેગર મનીષ ઉર્ફે બીડી અને અજ્જુ ઉર્ફે ચોર નામના બે શખ્સોએ ફાયરિંગ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવમાં રાજુ ગેંડીના પુત્રનો આબાદ બચાવ થયો હતો અને કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી પરંતુ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ચોક્કસપણે મચી ગઇ હતી. હજુ થોડાક દિવસ પહેલાં અજ્જુ ચોરે રાજુ ગેંડી પાસેથી દસ લાખ રૃપિયાની ખંડણી માગી હતી. જેની અદાવત રાખીને આ ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનું મનાઇ રહ્યું છે. ગઇ મોડી રાતે બનેલી ફાયરિંગની આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી. સરદારનગર વિસ્તારમાં હોલસેલમાં દારૃનો ધંધો કરતા રાજુ ઉર્ફે ગેંડી કિશ્નાનીના પુત્ર રવિની થોડાક દિવસ પહેલા અજ્જુ ઉર્ફે ચોર નામના વ્યકિત સાથે બોલાચાલી થઇ હતી. રવિ કુબેરનગરમાં હોટલ પાસે બેઠો હતો ત્યારે અજ્જુ પણ તે હોટલની નજીક બેઠો હતો બંને વચ્ચે સમાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. જેની અદાવત રાખીને અજ્જુએ રવિના મોંઢા પર ફેંટો મારી હતી. રવિનો મોઢામાંથી લોહી નીકળતાં તે ઘરે જતો રહ્યો હતો. જ્યાં તેના પિતા રાજુ ગેંડીએ તેની હાલત જોઇને અજ્જુને ઘરે બોલાવ્યો હતો. અજ્જુ રાજુ ગેંડીના ઘરે પહોંચી જતાં તેને રવિની સામે લાકડીઓના ફટકા માર્યા હતા. અજ્જુના થયેલા અપમાન બાદ તેેણે રાજુ ગેંડીને ફોન કર્યો હતો અને દસ લાખ રૃપિયાની ખંડણી માગી હતી, જ્યારે તેના પર ફાયરિંગ કરવાની પણ ધમકી આપી હતી. અજ્જુ સાથે કુબેરનગરના બિસ્કિટ ગલીમાં રહેતો અને દારૃના ધંધામાં સંડોવાયેલા મનીષ ઉર્ફે બીડીએ પણ રાજુ ગેંડીને બીભસ્ત ગાળો આપી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી. રાજુ ગેંડીએ અજ્જુ ઉર્ફે ચોર અને મનીષ ઉર્ફે બીડી વિરુદ્ધમાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ કરી હતી. ગઇકાલે રવિ તેના મિત્રો સાથે સરદારનગર વિસ્તારમાં બેઠો હતો ત્યારે મનીષ અને અજ્જુ કાર લઇને આવ્યા હતા. જ્યાં ચાલુ કારમાં મનીષે તેની પાસે રહેલી રિવોલ્વર કાઢીને રવિ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં કોઇને ઇજા પહોંચી નથી પરંતુ આ ધટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મનીષ અને અજ્જુ સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલા છે ત્યારે બે દિવસ પહેલા રાજુ ગેંડીનો દારૃનો જથ્થો પણ ક્રાઇમ બ્રાંચે પકડ્યો હતો. મનીષ ઉર્ફે બીડીએ લુખ્ખાં તત્ત્વો સાથે મળીને તેના પડોશમાં રહેતી માલા નામની પરિણીતા અને તેના પતિ પુરષોત્તમભાઇ ઉપર પણ ઘરમાં ધૂસીને હુમલો કર્યો હતો. આમ, ઉપરોકત તમામ ગુનેગારોનો ભૂતકાળ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે અને તેથી પોલીસ પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ રહી છે અને ઝીણવટભરી તપાસ શરૃ કરી છે.

(10:12 pm IST)