Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

અમદાવાદ : વધુ ૧૨ શાળામાં આરટીઓ દ્વારા તીવ્ર ચકાસણી

આગામી દિવસોમાં સ્કૂલોમાં ચકાસણી ઝુંબેશ જારી : કાર્યવાહીમાં ૪૨ વાહનો ડિટેઇન : મોટાભાગની સ્કૂલોમાં સ્કૂલવાન, રીક્ષા અને સ્કૂલ બસ નિયમના ભંગમાં પકડાયા

અમદાવાદ, તા.૧૪: શહેરમાં નિયમોને નેવે મૂકીને શાળાએ બાળકોને લેવા મૂકવા જતાં સ્કૂલ વર્ધી વાહનોની આરટીઓ તંત્ર દ્વારા આજે પણ શહેરના વિવિધ વિસ્તારની શાળાઓમાં સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આરટીઓના અધિકારીઓ દ્વારા આજે શહેરની અલગ-અલગ ૧૨ શાળાઓમાં આજે વહેલી સવાર ના છ વાગ્યાથી જ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં સૌથી વધુ સ્કૂલ વાન અને ત્યાર બાદ રિક્ષા સહિતના વાહનો નિયમ ભંગ બદલ ઝડપાયાં હતાં. આરટીઓ તંત્ર દ્વારા આવા કસૂરવાર અને નિયમભંગ કરનાર કુલ ૪૨ વાહનો ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા. માર્ગો ઉપર ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ વાન કે રિક્ષામાં ભરવા, લાઇસન્સ કે ફિટનેસ વગર વાહનો દોડાવવાં, વીમા વગર વાહનો ચલાવવાં સહિતના અનેક નિયમોનો ભંગ કરીને વાહન ચલાવતા ચાલકોને જાણે કોઈનો ભય નથી અને નિયમોને તેઓ જાણે હળવાશથી લેતા હોય છે ત્યારે આરટીઓ દ્વારા આવા સ્કૂલ વર્ધી વાહનોનું ચેકિંગ હાથ ધરાતાં આજે શહેરની જુદી જુદી ૧૨ શાળાઓનાં વાહનો ઝપટે ચઢયાં હતાં. શહેર અને જિલ્લામાં આવાં ૫૦ હજારથી વધુ વાહનો સ્કૂલ વર્ધી વાહન તરીકે ફરે છે. આરટીઓ તંત્રની આ ડ્રાઇવ અંગે એઆરટીઓ એ.એસ.મોજણીદારે જણાવ્યું હતું કે ચેકિંગ દરમિયાન નિયમ ભંગ કરતાં કોઈપણ વાહનને છોડવામાં આવશે નહીં આવા વાહનો સામે દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જરૂર પડે ડિટેઇન કરવા કે પરમિટ રદ કરવાની આકરી કાર્યવાહી પણ થઇ શકે છે. ક્ષમતાથી વધુ બાળકોને સ્કૂલ વાન કે રિક્ષામાં બેસાડવા છતાં વેકેશનની પણ ફી વસૂલ કરતા ખાનગી વાહન સંચાલકો સામે વાલીઓ મજબૂરીના માર્યા અવાજ ઉઠાવી શકતાં નથી. આજે શહેરની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ચાંદખેડા, સાકાર ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ ચાંદખેડા, ડીએવી સ્કૂલ મકરબા, દીવાન બલ્લુભાઈ સ્કૂલ પાલડી, અંકુર સ્કૂલ પાલડી, ડિવાઇન લાઈફ વાસણા, આઇડીપી સ્કૂલ ન્યૂ સી જી રોડ, ગંગોત્રી વિદ્યાલય જીવરાજપાર્ક, કામેશ્વર વિદ્યા મંદિર આનંદનગર, ચંદ્રમૌલી વિદ્યાલય સેટેલાઇટ, સન ફલાવર સ્કૂલ જીવરાજપાર્ક, સ્વસ્તિક હાઈસ્કૂલ સોલારોડ શાળાઓમાં આવતાં જતાં સ્કૂલ વર્ધી વાહનોની ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આરટીઓના ૩૬ કર્મીઓની કુલ ૧૨ ટીમ બનાવવામાં આવી હતી. આજે સવારથી ચાલી રહેલી ડ્રાઈવના પગલે સ્કૂલવાન ચાલકોએ વધુ સંખ્યામાં બેસાડેલા બાળકોને અન્ય રિક્ષામાં મોકલવાનું શરૂ કર્યું હતું છતાં કેટલાક ચાલકો ઝડપાઈ ગયા હતા. આગામી દિવસોમાં પણ આરટીઓ તંત્ર તેની આ ઝુંબેશ ચાલુ રાખશે.

(9:39 pm IST)