Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

દરરોજનું વ્‍યાજ અને રૂપિયા ડબલની લાલચમાં અનેક ગુજરાતી લોકો ફસાયાઃ બિટકોઇનમાં તગડુ રોકાણ કરીને લાભ મેળવવા માંગતા ગુજરાતના લોકોને ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો ચુનો લાગ્યો

અમદાવાદઃ રોજનું 1 ટકા વ્યાજ, અને 100 દિવસમાં રૂપિયા ડબલ!! આવી સ્કીમ સાંભળીને કોઈપણ લાલચમાં આવી જાય. જોકે, આ લાલચમાં જ ગુજરાતીઓને પૂરા 22,000 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. તેમાંય કેટલાકને તો નોટબંધીએ બરાબરનો ફટકો માર્યો હતો, તેમાં આ કાંડ તો તેમના માટે પડતા પર પાટું વાગવા જેવો સાબિત થયો.

નવેમ્બર 2016 વખતે નોટબંધી જાહેર થયા પછી પોતાના બ્લેક મનીને ક્યાં નાખવા તેને લઈને ઘણા લોકો ટેન્શનમાં હતા. આ વખતે સુરતમાં બિટકોઈનમાં રૂપિયા રોકી તગડું રિટર્ન આપવાની લાલચ આપી કેટલાય લોકો પાસેથી મસમોટી રકમનું રોકાણ કરાવાયું. જેવું ઠગાઈની બધી સ્કીમોમાં થાય છે તેમ, આમાં પણ થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું પણ પછી આ કાંડ ઉજાગર થવા લાગ્યો.

2017માં તો બિટકોઈને લોકોને જબરજસ્ત વળતર આપ્યું. 900 ડોલરનો બિટકોઈન 20,000 ડોલરે પહોંચી ગયો. લોકો બિટકોઈનના 25 ટકા ઓન આપીને પણ તેને ખરીદવા માટે તૈયાર હતા. બિટકોઈન બાદ બિટકનેક્ટનું ધૂપ્પલ શરૂ થયું, જેમાં બિટકોઈનધારકોને રોજના 1 ટકા વ્યાજની લાલચ અપાઈ, અને નવા મેમ્બર બનાવવા પર મોટું કમિશન ઓફર કરાતું.

બિટકનેક્ટની વેલ્યૂ વધતા તેમાં રૂપિયા રોકનારા પણ ઘણા ખુશ હતા. 50-100 રૂપિયાનો બિટકનેક્ટ એક જ વર્ષમાં 362 ડોલરનો થઈ ગયો હતો. જોકે, 16 જાન્યુઆરીએ જ્યારે તેનો ફુગ્ગો ફૂટયો, ત્યારે એક જ દિવસમાં તે સીધો 2 ડોલર પર આવી ગયો હતો.

નિરવ મોદી 14,000 કરોડ રૂપિયા જેટલું કૌભાંડ કરીને ભાગી ગયો, પરંતુ ગુજરાતમાં અને ખાસ તો સુરતમાં થયેલા બિટકોઈન કાંડનો આંકડો તેનાથી પણ લગભગ બમણો છે. જોકે, તેમાં રોકાયેલા મોટાભાગના રૂપિયા બ્લેકના હોવાના કારણે કોઈ પોલીસ સમક્ષ ફરિયાદ કરવા પણ તૈયાર નથી. તેના કારણે જ 22 હજાર કરોડના કહેવાતા આ કાંડમાં માત્ર 1.14 કરોડની જ ફરિયાદ મળી છે.

કેટલાક પહોંચેલા લોકોએ તો તેમાં ફસાયેલા પોતાના રૂપિયા ધાક-ધમકી આપીને પણ કઢાવી લીધા. આવો જ એક વ્યક્તિ હતો સુરતનો બિલ્ડર શૈલેષ ભટ્ટ. જોકે, શૈલેષ ભટ્ટે જે બિટકોઈન પડાવ્યા, તે તેની પાસેથી પોલીસ પડાવી ગઈ. આ પ્રકરણ બહાર આવતા જ અબજો રૂપિયાનો આ કાંડ પણ બહાર આવ્યો, અને તેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા પણ આરોપી છે, અને હાલ ફરાર છે.

(6:21 pm IST)