Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક બેકાબુ બનેલ કાર નાળામાં ખાબકતા 7 ભાઈ-બહેનના મોત

પંચમહાલ: જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલા ભાટ ગામના વળાંકમાં ગઇ રાત્રે બોડેલીના વેપારી ખત્રી પરિવારની કારનું વ્હીલ નીકળી જતા બેકાબુ બનેલી કાર રોડ પરથી નજીકના પાણી ભરેલા નાળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. કારમાં પાણી ભરાઇ જતા ગુંગળાઇ જવાથી અંદર બેસેલા સાત માસુમ પિતરાઇ ભાઇ-બહેનોના કરૂણ મોત નિપજ્યાં છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં લેથ તેમજ વેલ્ડીંગના વ્યવસાય સાથે સંકળાયેલા ખત્રી પરિવારના ત્રણ ભાઇના સંતાનો હાલોલમાં પોતાની ફોઇના ઘેર ગયા હતા અને આખો દિવસ ફોઇના ઘેર  ખાઇપીને ગમ્મત કર્યા બાદ રાત્રે તેઓ ઇન્ડિકા કારમાં પરત બોડેલી જતા હતાં. હાલોલથી કાર બોડેલી તરફ જતા ભાટ ગામના વળાંક પાસે આવતા કારનું વ્હીલ એકાએક નીકળી જવાથી બેકાબુ બની ગઇ હતી અને રોડ નજીકના નાળામાં ભરાયેલા વરસાદી પાણીમાં ખાબકી હતી.
ફોઇના ઘેરથી પરત ફરતી વખતે આ સફર અંતિમ બની રહેશે તેવો અણસાર કિશોરોને આવે તે પહેલાજ બે બહેનો તેમજ પાંચ ભાઇઓ મળી કુલ સાત માસુમો મોતની આગોશમાં લપેટાઇ ગયા હતાં. કાર મૃતક બાળકના કાકા ચલાવતા હતા તેઓ અને અન્ય બે બાળાઓને ગંભીર ઇજા થતા તેમને જાંબુઘોડા રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી બોડેલી લઇ જવાયા છે.
ખત્રી પરિવારના ત્રણ ભાઇઓ વચ્ચે પાંચ પુત્ર હતા અને તે તમામ મોતને શરણ થતા કુંટુંબ પર ભૂકંપ જેવો આઘાત થયો હતો. અકસ્માત સર્જાતા થયેલી બૂમાબૂમને પગલે પસાર થતા વાહનોના માલિકો અને રહિશો દોડી આવ્યા હતાં. 

(5:24 pm IST)