Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ધર્મજ-ખંભાત નજીક અજાણી ગાડીએ દંપતીને હડફેટે લેતા પતિનું કમકમાટી ભર્યું મોત

ધર્મજ:ધર્મજ-ખંભાત રોડ ઉપરના ખોડિયાર સીમ પાસે બાઈક સવાર દંપતીને અજાણ્યા ગાડી ચાલકે સામેથી જોરદાર ટક્કર મારી હતી. જેમાં ઘવાયેલા વેરાખાડીના યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું, જ્યારે પત્નીને ઈજાઓ થતાં હાલ સારવાર હેઠળ છે. વિરસદ પોલીસે ફરિયાદ આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
મળતી વિગતો મુજબ વેરાખાડીના રોહિતવાસમાં રહેતા જગદીશ ઉર્ફે સુરેશભાઈ રણછોડભાઈ રોહિત તથા તેમના ધર્મપત્ની ભારતીબેન પોતાના પીયર જલસણ જવા બાઈક નં. જીજે ૨૩ ડીએસ ૭૧૫૭ લઈ નીકળ્યા હતા. 
ધર્મજ -ખંભાત રોડ ઉપરના ખોડિયાર સીમ પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી એક સફેદ ગાડીએ જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક જગદીશભાઈ રોડ પર પટકાયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ભારતીબેનને પણ ઇજાઓ પહોંચી હતી. દરમ્યાન ગાડી ચાલક સ્થળ ઉપરથી પલાયન થઈ ગયો હતો. ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓને તાત્કાલિક ખંભાતની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન જગદીશભાઇનું કરૂણ મોત નીપજ્યું હતું. જેથીં ત્રણ બાળકોએ પિતા ગૂમાવ્યા છે. ભારતીબેનની ફરિયાદ આધારે વિરસદ પોલીસે અજાણ્યા ગાડીના ચાલક વિરુદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:22 pm IST)