Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

વાસદ-બોરસદ હાઇવે પર 36 કિલો પોશના ડોડા સાથે 3 શખ્સોની અટકાયત

વાસદ:વાસદ- બોરસદ હાઈવે ઉપરના સુંદણ પાટીયા નજીક ગતસાંજે ૩ થેલામાં વગર પાસ પરમીટનો કેફી એવા પોશડોડાના જથ્થા સાથે વાસદ પોલીસે ૩ શખ્સોની અટકાયત કરી હતી. જેઓ પાસેથી રૂ. ૧.ર૬ લાખનો ૩૬ કિલો ઉપરાંતનો પોશ ડોડાનો જથ્થો તેમજ અંગજડતીમાંથી રૂ. ૨૪૩૦ રોકડા જપ્ત કર્યા છે. આ અંગે વાસદ પોલીસે આ જથ્થો કોના થકી અને ક્યાં લઈ જવાય છે તે અંગેની તપાસને લઈ જિલ્લા કોર્ટમાં આરોપીઓના રીમાન્ડની માંગ કરતા જિલ્લા કોર્ટે ૭ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. 
મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજના સુમારે વાસદ- બોરસદ હાઈવે ઉપરના સુંદણ પાટીયા નજીક મુસાફરના સ્વાંગમાં દિનેશ ખીમશેન ભૂરીયા રહે. અંતરવેલીયા ગામ. જિ. જાબુઆ તથા તેની સાથે મુકેશ છગનભાઈ મહાવી રહે. કલીપુરા જિ. જાબુઆ અને જોહન રામસીંગ મહાવી રહે. અંતર વેલીયા ગામ જિ. જાબુઆ પાસેના એક, એક થેલા એવા ૩ થેલાઓમાં કેફી પદાર્થ પોશ ડોડાનો જથ્થો હોવાની પોલીસને ગુપ્ત બાતમી મળી હતી. જે અંગે પોલીસે તેઓની તપાસ હાથ ધરતા ૩ થેલામાં રખાયેલ ૩૬.૧૯૦ કિલોગ્રામ પોશ ડોડાનો જથ્થો, કિંમત રૂ. ૧,૨૬, ૬૬૬નો મળી આવ્યો હતો. તેમજ અંગ જડતીમાં ૩ મોબાઈલ તથા રોકડ રૂ. ૨૪૩૦ મળી આવ્યા હતા. 
આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી આ જથ્થો કોના ઈશારે લવાયો તેમજ ક્યાંથી ક્યાં ડીલીવરી કરવાનો છે જેવી તપાસ અર્થે આણંદ જિલ્લા કોર્ટમાં આરોપીઓને હાજર કર્યા હતા. જ્યાં કોર્ટે તેઓના વધુ તપાસ અર્થે ૭ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. આણંદ જિલ્લામાં છેલ્લાં કેટલાંક વખતથી પોશ ડોડાની હેરાફેરીનો જથ્થો ઠલવાઈ રહ્યો છે. આથી પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે.

(5:21 pm IST)