Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

પાટીદારો હાર્દિકને અને દલિત સમાજ જીજ્ઞેશને કેવો ટેકો આપશે? ગાંધીનગરને તાકીદે રીપોર્ટ આપવા ગુપ્તચર તંત્ર દ્વારા ખાનગી સર્વે

રપમીના હાર્દિકના આમરણાંત ઉપવાસની જાહેરાતનો તંત્ર કયાસ કાઢે તે પહેલા જ જીજ્ઞેશ મેવાણીની દલિત રેલીની જાહેરાતથી હડકંપ : ૬ માસ અગાઉ ભાજપ હાઇકમાન્ડ અને સંઘ દ્વારા કરાવાયેલ સર્વેથી ચોંકી ઉઠેલ ભાજપ : સરકારે ગુજરાતમાં લોકસભાની ચુંટણીમાં સ્થિતિ યથાવત જળવાઇ રહે તે માટે મરણીયા પ્રયાસો : ચાલુ કર્યા છે ત્યારે યોગાનુયોગ યેનકેન પ્રકારે 'ભોં' માંથી 'ભાલા' નિકળી રહયા છે

રાજકોટ, તા., ૧૪: ૬ માસ અગાઉ ભાજપ હાઇ કમાન્ડ અને સંઘ દ્વારા લોકસભાની ચુંટણીમાં ભુતકાળની સ્થિતિ યથાવત જળવાશે કે પછી કોઇ પ્રશ્નો કે સમસ્યા બાધારૂપ નિવડશે તેવો ખાનગી સર્વે કરાવવામાં આવ્યાનું સુત્રો જણાવે છે. સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ એ સર્વેનું ગુજરાતી લોકસભા બેઠકો માટે જે તારણ બહાર આવ્યું તે ચોંકાવનારૂ હતું. એ તારણ મુજબ ભાજપને ઘણી સીટો ગુમાવવી પડે તેવું હોવાનું પણ સુત્રો જણાવે છે.

ઉપરોકત પરિસ્થિતિ નિવારવા માટે અને આગામી લોકસભાની ચુંટણીમાં ભુતકાળમાં ભાજપને જે રીતે ભવ્ય સફળતા સાંપડી હતી તે પરંપરા યથાવત રહે તે માટે ભાજપ હાઇ કમાન્ડ દ્વારા માસ્ટર પ્લાન ઘડી કાઢી તે પરીપુર્ણ કરવાની જવાબદારી ગુજરાતના ટોચના નેતાઓને આપવામાં આવી હતી.

સુત્રોના કથન મુજબ ઉપરોકત સર્વે બાદ ગુજરાતના જીલ્લાવાઇઝ પ્રશ્નોની સમીક્ષા કરી જે તે જીલ્લાના પાણી, ઘાસચારો, સ્કુલો, આરોગ્ય કેન્દ્રો વિ. માટે તમામ પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ પણ સક્રિય બની વિવિધ જીલ્લાઓમાં અનેક યોજનાના ખાત મુહુર્તો ધડાકાબંધ કરવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. આ સર્વેને કારણે જ હાઇ કમાન્ડ જંપીને બેસતુ નથી કે તંત્રને બેસવા દેતુ નથી. કુંવરજીભાઇ બાવળીયા વિ.ને ભારતીય જનતા પક્ષમાં ભેળવવા પાછળ ઉકત સર્વેના તારણ સંદર્ભે ચોક્કસ વોટ બેંક સરકી ન જાય તે માટેના નિર્ણયનો એક ભાગ હતો.

આમ આવા અઢળક પ્રયાસો છતા રાજય સરકાર માથે રાહુની દ્રષ્ટિ હોય તેમ એક સાંધે ને ૧૩ તુટે તેવી હાલત થતી રહે છે. પાટીદાર સમાજના તેજોતર્રાર નેતા હાર્દિક પટેલે ચાલુ માસની રપમી તારીખથી પાટીદારોને અનામત આપવાના પ્રશ્ને તથા ખેડુતોના અન્ય વણઉકેલ પ્રશ્ને આમરણાંત ઉપવાસની જાહેરાત કરી. જો કે એ વાત અલગ છે કે મ્યુનિસીપલ તંત્રએ હાર્દિકને ઉપવાસ પર બેસવા નિકોલમાં પ્લોટ ન આપ્યો. આની પાછળ હાર્દિક વગેરે સરકારી દબાણ હોવાનું માની રહયા છે. સરકારે આનો તોડ કાઢવા માટે તમામ વર્ગ માટે આર્થિક રીતે નબળા લોકો માટે ખાસ યોજના, ખાસ કરીને પાટીદારોને રીઝવવા જાહેર કરી પરંતુ હાર્દિકના કાર્યકમમાં કોઇ ફેર ન પડયો. તંત્ર દ્વારા હાર્દિકના આમરાંત ઉપવાસની કેવી અસર થશે? લોકોનો કેવો ટેકો સાંપડશે તે માટેના ખાનગી સર્વેની કામગીરી આઇબી દ્વારા ચાલી રહયાનું સુત્રો કહે છે.

દરમિયાન વડગામના અપક્ષ ધારાસભ્ય અને લડાયક દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ ચાલુ વર્ષના ૧પ મી ફેબ્રુઆરીએ આખા દેશને હચમચાવનારી ભાનુભાઇ વણકરની પાટણના દુદખા ગામે બનેલી આત્મવિલોપનના ચકચારી મામલાનો પ્રશ્ન ઉઠાવ્યો છે.

ઉકત મામલો રહી રહીને શા માટે ઉઠયો તેવો સવાલ થવો સ્વભાવીક છે. આના મૂળમાં હકીકત એ છે કે ભાનુભાઇ વણકરના આત્મવિલોપન બાદ સરકારે જે તે સમયે મામલો શાંત પાડવા માટે આંદોલનકારીઓની ૮ માંગણીઓનો તુર્ત સ્વીકાર કરી લીધો હતો. આ વાતને ૬ મહિનાથી વિશેષ સમય થવા છતાં પણ સરકારે આપેલી ખાત્રીનો અમલ થતો ન હોવાથી તે બાબતને કેન્દ્રમાં રાખી જીજ્ઞેશ મેવાણીએ ૧૬ ઓગષ્ટે ગાંધીનગરમાં વિશાળ દલીત રેલી યોજી જવાબ માંગવાનું નક્કી કર્યુ છે.

આમ હાર્દિકના આમરણાંત ઉપવાસની જાહેરાતને લોકોનું ખાસ કરીને પાટીદારોનું કેવુ સમર્થન મળશે? તેની ચિંતામાં પડેલ તંત્ર એ બાબતનો ચોક્કસ કયાશ આઇબી મારફત કઢાવી શકે તે પહેલા જ જીજ્ઞેશ મેવાણી દ્વારા આ રેલીની જાહેરાતથી આઇબી તંત્ર પણ એ કયાશ કાઢવામાં ધંધે લાગ્યું છે.

(3:32 pm IST)