Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

23મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતમાં :સવારે 9-30 વાગ્યે સુરતમાં આગમન

હેલીકૉપટરથી જશે વલસાડ :જુનાગઢનો કાર્યક્રમ બાદ બપોરે ગાંધીનગર પહોંચશે :એફએસએલના કાર્યક્રમમાં હાજરી આપી ભાજપના નેતાઓ સાથે કરશે બેઠક

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 23મીએ એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.એક દિવસના પ્રવાસ દરમિયાન તેઓ વલસાડ,જૂનાગઢ અને ગાંધીનગરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ ભાજપના નેતાઓ સાથે ટૂંકી ચર્ચા પણ કરશે. બેઠક દરમિયાન આગામી ચૂંટણીથી લઈને અનેક મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે.

 મોદી 23મી તારીખના તેમના તમામ કાર્યક્રમો પૂરા થયા બાદ સાંજે ગાંધીનગર ખાતે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. ડિનર દરમિયાન મોદી લોકસભાની તૈયારીઓ, ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરશે. આ બેઠક દરમિયાન ગુજરાતમાં બહુ ગાજેલા મગફળી કૌંભાડ અંગે પણ ચર્ચા થઈ શકે છે

   23મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 9.30 વાગ્યે સુરત એરપોર્ટ આવી પહોંચશે. અહીં તેમનું સ્વાગત કરવામાં આવશે. સુરત એરપોર્ટ પરથી તેઓ સીધા હેલિકોપ્ટર દ્વારા વલસાડ જવા રવાના થશે. અહીં યોજાયેલા કાર્યક્રમમાં તેઓ 12 વાગ્યા સુધી હાજરી આપશે.
  વલસાડમાં કાર્યક્રમ પૂરો કરીને તેઓ હેલિકોપ્ટર મારફતે જ જૂનાગઢ જવા રવાના થશે. જૂનાગઢ ખાતે હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમને પૂરો કરીને તેઓ ગાંધીનગર ખાતે જવા રવાના થશે. બપોરે 3 વાગ્યા બાદ તેઓ ગાંધીનગર એફએસએલના કાર્યક્રમમાં હાજરી આપશે. એફએસએલનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ તેઓ ગુજરાતના બીજેપીના નેતાઓ સાથે બેઠક કરશે. સાંજે 8.30 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે.

(3:30 pm IST)