Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

વ્યાવસાયિક હેતુ માટેની મ્યુઝિકલ નાઇટ્સને ગુજરાત મનોરંજન કરમાં છૂટ : સુપ્રીમ કોર્ટ

ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે રદ્દ ઠેરવતા રાજ્ય સરકારને મોટો ઝટકોઃ કાયદામાં સુધારા મુજબ તમામ મ્યુઝિકલ કાર્યક્રમોને કાયદા મુજબ ચાર્જ લેવાની જે જોગવાઇ છે તેમાંથી બાકાત રખાયા છે

અમદાવાદ તા. ૧૪ : ગુજરાત એન્ટરટેઇન્મેન્ટ ટેકસ એકટ (મનોરંજન કરના કાયદા)ની જોગવાઇના અર્થઘટનમાં સ્પષ્ટતા કરતાં એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે કે, 'વ્યાવસાયિક (કમર્શિયલ) હેતુ અને નફાના આશય સાથે યોજાતી મ્યુઝિકલ નાઇટ્સને પણ કાયદા હેઠળ ટેકસમાંથી છૂટ મળવાપાત્ર છે.' આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે આપેલા આદેશને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ આર. ભાનુમતી અને જસ્ટિસ નવીન સિંહાની બેંચે રદબાતલ ઠેરવતાં કાયદાની જોગવાઇ સ્પષ્ટ કરી આપી હતી. સુપ્રીમે નોંધ્યું હતું કે, 'ગુજરાત એન્ટરટેઇન્મેન્ટ ટેકસ એકટની ધારા ૩એ હેઠળ ટેકસમાંથી છૂટ મેળવવા માટે મનોરંજનના કાર્યક્રમો શૈક્ષણિક, સાંસ્કૃતિક કે પછી ધર્માદાના હેતુ માટેના હોય તેવી આવશ્યકતા હાઇકોર્ટ લાદી શકે નહીં. જયારે આ કેસમાં ઉપસ્થિત થયેલો કાર્યક્રમ પણ કાયદાના શિડ્યૂલ IIIમાં આવરી લેવાયો છે.'

આ સમગ્ર મામલે બોલિવૂડના જાણિતા ગાયક અરીજીતસિંઘની મ્યુઝિકલ નાઇટ્સના આયોજન કરતી કંપની દ્વારા હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. આ ઓર્ગેનાઇઝર્સને કમર્શિયલ મ્યુઝિકલ કોન્સર્ટ કરવા બદલ ટેકસ ચૂકવવા માટે અમદાવાદ કલેકટર કચેરી દ્વારા નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી. જેની સામે પ્રથમ તેમણે હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, 'ગુજરાત એન્ટરટેઇન્મેન્ટ એકટની ધારા ૩એ મુજબ મ્યુઝિકલ નાઇટ્સ અને ઓપેરા સહિત દરેક પ્રકારના મ્યુઝિકલ પ્રોગ્રામ્સને ચાર્જ ભરવામાંથી મુકત રાખવામાં આવ્યા છે.' અરજદાર કંપનીની દાદ હાઇકોર્ટે સ્વીકારી નહોતી અને આદેશ કરતાં નોંધ્યું હતું કે, 'જો ઓર્ગેનાઇઝર્સનો હેતુ વ્યવસાયિક, નફો કમાવવાનો હોય અને શૈક્ષણિક, તબીબી, ધર્માદા કે દાનવૃત્ત્િ।નો હેતુ ન હોય ત્યારે પ્રસ્તુત કેસના મ્યુઝિક કોન્સર્ટ જેવા કાર્યક્રમોને એન્ટરટેઇન્મેન્ટ ટેકસ ભરવામાંથી મુકિત મળવાને પાત્ર નથી.' આ પ્રકારનો આદેશ કરી હાઇકોર્ટે અરજદાર કંપનીની રિટ રદ કરી હતી. જેની સામે કંપની દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવી હતી. આ અપીલમાં રાજય સરકાર વતી એવી દલીલ કરવામાં આવી હતી કે, 'મ્યુઝિકલ કોન્સર્ટને મ્યુઝિકલ ઇવેન્ટ ગણી શકાય નહીં કેમ કે એ કોઇ 'મ્યુઝિકલ વર્ક' નથી.'

સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેંચે રાજય સરકારની દલીલ માનવાનો ઇનકાર કર્યો હતો અને નોંધ્યું હતું કે, 'નાણાંમંત્રીએ આ કાયદાની જોગવાઇમાં સુધારો કરતી સ્પીચ પણ અમે વાંચી છે. જેમાં એવું સામે આવ્યું છે કે તમામ પ્રકારના મ્યુઝિકલ કાર્યક્રમોને કાયદા મુજબ ચાર્જ લેવાની જે જોગવાઇ છે તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તેવા તબક્કે રાજય સરકાર અને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા કારણોથી અમે સંમત થતાં ન હોવાથી અરજદારની અપીલ ગ્રાહ્ય રાખી હાઇકોર્ટનો આદેશ રદ ઠેરવીએ છીએ.'(૨૧.૧૧)

શું છે આ મામલો ?

અરજદાર કંપની દ્વારા અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ૨૩મી ડિસેમ્બર ૨૦૧૬ના રોજ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ગેટ પાસ પર ગુજરાત એન્ટરટેઇન્મેન્ટ એકટની ધારા ૩ મુજબ એન્ટરટેઇન્મેન્ટ ટેકસ લાદવામાં આવ્યો હતો. જેને અરજદારે હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો. હાઇકોર્ટે અરજી રદ કરી હતી અને તેની સામે અરજદારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

(9:46 am IST)