Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ચેઇન સ્નેચિંગના ગુનામાં હવે પાંચથી દસ વર્ષની સજા થશે

ચેઇન સ્નેચિંગના વધતા ગુનાઓને રોકવા મહત્વપૂર્ણ ફેંસલો : ચેઇન સ્નેચિંગ મામલામાં વટહુકમ બહાર પાડી રાજ્યભરની મહિલાને વધુ સુરક્ષા ઉપલબ્ધ કરાવવા નિર્ણય : મહિલાની સુરક્ષાની દિશામાં મોટી પહેલ

અમદાવાદ, તા.૧૩ :      રાજ્યમાં મહિલાઓની સુરક્ષા મામલે સરકારે આજે એક અતિમહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જે મુજબ હવે ચેઈન સ્નેચીંગના ગંભીર ુગુનામાં ચેઇન સ્નેચીંગ કરનાર ગુનેગારને પાંચ વર્ષથી લઇ દસ વર્ષ સુધીની સખત કેદની સજા તેમ જ રૂ.૨૫ હજારનો દંડ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ નવી જોગવાઇ મામલે સરકાર ટૂંક સમયમાં જ વટહુકમ બહાર પાડશે અનએ રાજયભરની મહિલાઓને સરકાર દ્વારા વધુ સુરક્ષા અને ભયમુકત માહોલ પૂરો પડાશે. ચેઇન સ્નેચીંગ દરમ્યાન ચીલ ઝડપમાં ગુનેગાર કોઇને મૃત્યુ કે ઈજા કરે કે ભય ઊભો કરે તો પણ ચેઇન સ્નેચરને ત્રણ વર્ષની સખત કેદની સજાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત, ચીલ ઝડપમાં મૃત્યુ કે ઈજા થાય તો તેવો પ્રયાસ કરનારને ઓછામાં ઓછી સાત વર્ષથી લઈને ૧૦ વર્ષ સુધીની સખત કેદની સજા થશે. રાજય સરકારના આ ઐતિહાસિક નિર્ણયને પગલે રાજયભરની મહિલાઓમાં ભારે ખુશી અને સુરક્ષાની લાગણી ફેલાઇ ગઇ છે. દરમ્યાન આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મહિલાઓને સુરક્ષા પૂરી પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. મહિલાની સુરક્ષા માટે સરકારે નક્કર પગલું ભરીને મંગળસૂત્ર, ચેઈન અને કિંમતી ઘરેણા જેવી સ્નેચીંગની ઘટનાને અંકુશમાં લેવા માટે કડક હાથે કામ લેવા આઈપીસીની નવી કલમો ઉમેરીને કડક સજાની જોગવાઈનો નિર્ણય કર્યો છે. સરકાર આ માટે વટહુકમ બહાર પાડીને મહિલાઓને વધુ સુરક્ષા પુરી પાડશે. ઉલ્લેખનીય છે કે, મંદિર પરિસર, બેંક આસપાસ, શોપિંગ મોલ તેમજ ભીડવાળી વિસ્તારો કે જાહેર માર્ગો પર પસાર થતી મહિલાઓ કે વ્યક્તિને ચેઈન, પર્સ કે અન્ય કિંમતી વસ્તુ ઝૂંટવી ચેઇન સ્નેચરો અને ગુનેગાર તત્વો નાસી છૂટતા હોય છે ત્યારે સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને જરૂરી સૂચના સાથે વટહુકમ લાવવાનું નક્કી કર્યું છે. હાલ આઈપીસીની કલમ અંતર્ગત ચોરીના ગુનામાં ૩ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. પરંતુ હવે આ સજા વધારી સખત અને આકરી બનાવવામાં આવી છે. જે મુજબ, ચેઇન સહિતની દાગીના-કિંમતી વસ્તુઓની ચીલ ઝડપ કરનારને ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સખત કેદની સજા અને ૨૫ હજારનો દંડ કરવામાં આવશે. ચેઈન સ્નેચીંગ સહિતની વસ્તુ ચોરનારને ૭ વર્ષની જેલ અને ૨૫ હજારનો દંડ થશે. ૩૭૯ (ક) ૪ અંતર્ગત ચેઈન સ્નેચીંગના પ્રયાસથી સામેવાળી વ્યક્તિને ઈજા કે ઈજાનો ભય પેદા કરે તો વધુ ૩ વર્ષની સખત કેદની સજા થશે. આ જ પ્રકારે ૩૭૯(ખ) મુજબ, સ્નેચીંગથી પીડિતનું મૃત્યુ થાય કે અવરોધ ઊભો કરીને મોત કે ઈજા પહોંચાડે તો સાત વર્ષથી લઈને ૧૦ વર્ષની સખત કેદની સજા અને ૨૫ હજારનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આમ કાયદો વધુ કડક અને સજામાં વધારો થવાના કારણે રાજયમાં ચેઈન સ્નેચીંગના ગુનાઓ પર લગામ કસી શકાશે, સાથે સાથે જ મહિલાઓ સહિત નાગરિકોના જાનમાલનું પણ રક્ષણ થશે. સરકાર દ્વારા કેબીનેટમાં બેઠકમાં આ મહત્વના નિર્ણય અંગે સર્વસંમંતિ સાધવામાં આવી હતી અને આ અંગેનો ઓર્ડિનન્સ રાજયપાલની મંજૂરી માટે મોકલાશે અને ત્યારબાદ તેને પ્રસિધ્ધ કરી અમલવારી કરવામાં આવશે. ચેઇન સ્નેચીંગના ગુનામાં અગાઉ આરોપીઓને સરળતાથી જામીન મળી જતા હતા અને તેથી આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન ના મળે તેવી કડક જોગવાઇ પણ લાગુ પાડવામાં આવશે. સરકારના આ મહત્વના નિર્ણયને પગલે રાજયભરની મહિલાઓમાં કંઇક અંશે સુરક્ષા અને રાહતની લાગણી જન્મી છે.

મહત્વપૂર્ણ નિર્ણય.......

*    ચેઇન સ્નેચિંગના ગુનાઓને રોકવાની દિશામાં મોટી પહેલ

*    ચેઇન સ્નેચિંગના ગુનામાં પાંચથી દસ વર્ષની સજા કરાશે

*    વટહુકમ બહાર પાડી રાજ્યભરની મહિલાઓને સુરક્ષા અપાશે

*    ચેઇન સ્નેચિંગ કરનાર ગુનેગારને ૨૫ હજાર રૂપિયાનો દંડ પણ કરાશે

*    મહિલાઓને વધુ સુરક્ષા પુરી પાડવાના હેતુસર નિર્ણય

*    ચીલઝડપમાં ગુનેગાર કોઇને મોતને ઘાટ ઉતારે અથવા તો ઇજા પહોંચાડે તો ચેઇન સ્નેચરને કઠોર સજા થશે

*    મહિલાઓમાં રાજ્ય સરકારના મહત્વપૂર્ણ નિર્ણયથી ખુશીનું મોજુ ફેલાયુ

*        હાલમાં મંગળસુત્ર, સોનાની ચેઈન અને કિંમતી ઘરેણાની સ્નેચિંગના બનાવો સતત વધી રહ્યા છે

(8:19 pm IST)