Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ઢાલગરવાડ, શાહીબાગ અને શ્યામલમાં દબાણ દૂર કરાયા

અતિક્રમણો દૂર કરવાની આક્રમક કાર્યવાહી જારી : મેઘાણીનગરમાં અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારની ઓફિસ બહારનું ગેરકાયદે બાંધકામ દૂર કરાયું

અમદાવાદ, તા.૧૩ : ગુજરાત હાઇકોર્ટના મહત્વના નિર્દેશો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ અને પોલીસ તંત્રની સંયુકત ડિમોલિશન ડ્રાઇવ અને ટ્રાફિક ઝુંબેશ આજે સતત તેરમા દિવસે પણ ચાલુ રહી હતી. અમ્યુકો તંત્ર અને પોલીસ તેમ જ ટ્રાફિક વિભાગના સ્ટાફ દ્વારા આજે શહેરના શ્યામલ, શાહીબાગ, ઢાલગરવાડ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ડિમોલિશન ડ્રાઇવ અને ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામો, દબાણો અને અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી નોંધનીય વાત એ હતી કે, અમ્યુકો સત્તાધીશો દ્વારા મેઘાણીનગરમાં અસારવા બેઠકથી જીતેલા ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારની ઓફિસ બહારનું ગેરકાયદેસરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમ જ ટ્રાફિક શાખાના જવાનો સાથે આજે રવિવારે રજાના દિવસે પણ પોતાની ડિમોલિશન ડ્રાઇવ અને ટ્રાફિક ઝુંબેશની કાર્યવાહી ચાલુ રાખી હતી. જેમાં સરખેજમાં ૫૪ ગેરકાયદે પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તો, શહેરના ઢાલગરવાડ વિસ્તારમાં પણ ડીસીપી કક્ષાના અધિકારી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓને સાથે રાખીને અમ્યુકો તંત્ર દ્વારા મોટાપાયે દબાણો અને ગેરકાયદે અતિક્રમણ દૂર કરી અહીંના સાંકડા રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ જ પ્રકારે શહેરના શ્યામલ ચાર રસ્તાથી લઇ પ્રહલાદનગર ગાર્ડનવાળા પટ્ટાની વચ્ચે પણ અમ્યુકો તંત્ર ત્રાટકયુ હતુ અને અનઅધિકૃત દબાણો અને બાંધકામો દૂર કર્યા હતા. શ્યામલ વિસ્તારમાં તો અમ્યુકો તંત્રએ એક સોસાયટીનો વિશાળ ગેરકાયદે ગેટ બુલડોઝર ફેરવી ધ્વસ્ત કરી દેતાં સ્થાનિક રહીશો થોડા નારાજ થયા હતા. શહેરના શાહીબાગ-મેઘાણીનગર વિસ્તારમાં અમ્યુકો તંત્રએ બુલડોઝર ફેરવી રસ્તાને અડીને આવેલા દબાણો-બાંધકામો દૂર કરી રોડ-રસ્તા ખુલ્લા કર્યા હતા. તો, શાહીબાગ, મેઘાણીનગર અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પણ તંત્રએ ડિમોલિશન ડ્રાઇવ ચલાવી હતી. દરમ્યાન શહેરના ગુરૂકુળ રોડ પરના ગેરકાયદે દબાણો અને બાંધકામો દૂર કરવા અંગે અમ્યુકો તંત્ર દ્વારા સ્થાનિક દુકાનદારો અને વેપારીઓને આગોતરી તાકીદ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ત્યાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવાની ચેતવણી આપી હતી. જેને પગલે સ્થાનિક દુકાનદારો અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે જ કાર્યવાહી કરવાની વિચારણા હાથ ધરી હતી. ગઈકાલે ઉત્તર ઝોનમાં મ્યુનિ. એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત મેળવી ઠક્કરનગર વોર્ડના ચમકચૂનાથી લઇ ઠક્કરનગર બ્રીજ એપ્રોચ રોડ અને સૈજપુર વોર્ડના હીરાવાડી ચાર રસ્તાથી કૃષ્ણનગર ચાર રસ્તા તરફના જાહેર રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેની કામગીરી દરમિયાન ૧૦ કાચા-પાકા બાંધકામો, ૩૨ કોમર્શિયલ શેડ, ૧૧૮ ઓટલાના તેમજ અન્ય માલ સામાનના ૪૨ નંગ દૂર કરી કુલ ૨૦૨ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઠક્કરનગર, વસ્ત્રાલ, ગુલબાઇ ટેકરા, કાલુપુર, ઓઢવ, બાપુનગર જેવા વિસ્તારોમાંથી ઢોર પકડવામાં આવ્યા હતા. કોર્પોરેશને સરખેજ, શાંતિપુરા સર્કલ અને સરખેજ વોર્ડના દબાણોને દૂર કર્યા હતા. આ ઉપરાંત રસ્તા પર રખડતા ઢોરોના ત્રાસને કારણે સીએનસીડી વિભાગ દ્વારા પૂર્વ અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાંથી કુલ ૯૩ ઢોરોને પકડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આજની સમગ્ર ડ્રાઇવ દરમ્યાન ૩૫૦થી ૪૦૦ પોલીસ જવાનોનો કાફલો ઉચ્ચ અધિકારીઓની નીગરાની હેઠળ તૈનાત રહ્યો હતો.

(7:12 pm IST)