Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

શ્રાવણિયા જુગાર : પોલીસના દરોડામાં ૩૨ જુગારી પકડાયા

પોલીસના દરોડાને પગલે જુગારીઓમાં ફફડાટ : શ્રાવણ માસના પહેલા દિવસે પોલીસે વાડજ, ઇસનપુર, નિકોલ તેમજ કુબેરનગર વિસ્તારોમાં સપાટો બોલાવ્યો

અમદાવાદ, તા.૧૩ : પ્રવિત્ર શ્રાવણ માસનો પ્રાંરભ થઇ ગયો છે ત્યારે એક મહિના સુધી જુગારનો શોખ ધરાવતા લોકો મન મૂકીને પોતાનાં ગ્રુપ સાથે જુગાર રમવામાં વ્યસ્ત બન્યા છે, તો બીજી તરફ પોલીસ પણ આવા જુગારિયાને પકડી પાડવા માટે દરોડા પાડવાનું શરૂ કરી દીધુ છે. શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે પોલીસે વાડજ, ઇસનપુર, નિકોલ અને કુબેરનગરમાં જુદા જુદા સ્થળોએ દરોડા પાડી કુલ ૩૨ જુગારીઓની રૂ.૬.૯૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધમાં જુગારધારા એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના દરોડાને પગલે જુગારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરમાં શ્રાવણ માસ દરમ્યાન જુગારની બદી પર વોચ રાખવા અને સખત કાર્યવાહી કરવા પોલીસ તંત્રને પહેલેથી જ એલર્ટ કરી દેવાયું છે ત્યારે નિકોલ પોલીસને બાતમી મળી હતી કે, ન્યૂ ઇન્ડિયા કોલોની પાસે આવેલ રાજહંસ રેસિડન્સીમાં કેટલાક રહીશો જુગાર રમવા માટે બેઠા છે. જેથી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતાં વાસુદેવ અશોકભાઇ અસાડા, ભાવેશ ડાહ્યાલાલ પટેલ, વિજય લક્ષ્મણભાઇ પટેલ, વિજય રમેશચંદ્ર ભટ્ટ, નરેશ શ્યામજીભાઇ આહિર, મંથન બિપિનભાઇ પટેલ, તુષાર મનુભાઇ સુથાર, રાજેશ ચિમનલાલ મિસ્ત્રીની રૂ.૧.૩૮ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઇ હતી. ત્યારે નવા વાડજમાં પણ પોલીસ દરોડા પાડીને સાત જુગારીઓની ધરપકડ કરી છે. નવા વાડજ વિસ્તારમાં આવેલ નિર્ણયનગર સેક્ટર ૭ના મકાનમાંથી પોલીસે ઉમેશભાઇ ધીંગરા, જૈમિન શાહ, અવધ પ્રસાદ, રાજેશભાઇ વારડે, મનીષભાઇ પાટડિયા, ગૌરાંગભાઇ રાવલ અને નિગમભાઇ પટેલની રૂ.૧.૭૫  લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ત્યારે શાહઆલમ વિસ્તારમાં આવેલ એક ખુલ્લા પ્લોટમાં પણ જુગાર રમતા ૬ લોકોની પોલીસ ધરપકડ કરી હતી. આ જ પ્રકારે બાતમીના આધારે ઇસનપુર પોલીસ દરોડા પાડતાં ઇરફાન પટણી, શરીફ કુરેશી, ઇબ્રાહીમ ખલિફા, અશરફખાન પઠાણ, હમીદ શેખ અને મહમદઅલી શેખની રૂ.૨૭ હજારના મુદ્દમાલ સાથે ધરપકડ કરી હતી. ગઇકાલે મોડી રાતે કુબેરનગરમાં સુધીરના જુગારના અડ્ડા પર પોલીસ દરોડા પાડીને સાડા ત્રણ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ પ્રકરણમાં સરદારનગર પોલીસે જુગારના અડ્ડા પર દરોડા પાડીને ૧૧ જુગારીઓની ધરપકડ કરી હતી. આમ, કુલ ૩૨ જુગારીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(7:11 pm IST)