Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

અમદાવાદના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ફોન કરીને તેના નાનાભાઇ સહીત પ શખ્સોને જુગાર રમતા પોલીસના હાથે પકડાવ્યા

અમદાવાદઃ અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પોલીસને ફોન કરીને પોતાના સગા ભાઇ સહિત પ શખ્સોને જુગાર રમતા પોલીસને હાથે પકડાવી દઇને કાયદો બધા માટે સમાન છે તેવું પુરવાર કર્યુ હતું.

જેમાંથી ફિરોઝ નામના વ્યક્તિએ તરત જ પોલીસને કહ્યું કે ‘મે MLA કા ભાઈ હું’ પણ પોલીસે તેની એક ન સાભળી કેમ કે પહેલા તો ફિરોઝને એ ખ્યાલ જ નહોતો કે તે જે ઘરની બહાર બેસીને જુગાર રમી રહ્યો છે તે જ ઘરમાં રહેતા તેના ધારાસભ્ય ભાઈએ જ ખુદ પોલીસને ફોન કરીને બોલાવી હતી અને જુગર રમતા તમામને પકડી જવા માટે સુચના આપી હતી.

ભાગ્યે જ જોવા મળતા કિસ્સામાં જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રવિવારે સાંજે પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે તેનો નાનો ભાઈ અને અન્ય પાંચ વ્યક્તિઓ તેમના ઘરની બહાર જ બેસીને જુગાર રમી રહ્યા છે. પછી શું ખુદ MLAની ટિપ મળતા જ તરત જ ગાયેકવાડ હવેલી પોલીસ સ્ટેશનની ટીમ સ્થળે પહોંચી ગઈ હતી અને ફિરોઝ(55) સહિત જુગાર રમતા અન્ય પાંચ અને તેમજ રોકડ રુ.1290 જપ્ત કર્યા હતા.

જોકે જુગાર જામીનપાત્ર ગુનો છે પરંતુ રવિવારે મોડી રાત સુધી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પોતાના ભાઈને છોડાવવા પોલીસ સ્ટેશને ન પહોંચતા તેના ભાઈ ફિરોઝને મધરાત પહેલા છોડવામાં નહોતો આવ્યો. ગાયેકવાડ હવેલી પોલિસ સ્ટેશનના પીઆઈ વી.જી. રાઠોડે કહ્યું કે, ‘ઇમરાને ફોન કરીને જણાવ્યું હતું કે તેમનો ભાઈ તેમના જ ઘરની સામે જુગાર રમી રહ્યો છે. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ગુનેગારોની ધરપકડ કરી હતી.’

રાઠોડે વધુમાં કહ્યું કે, ‘મે ક્યારેય નથી સાંભળ્યું કે કોઈ ધારાસભ્યે પોતાના જ ભાઈની ધરપકડ કરવા માટે સામે ચાલીને કહ્યું હોય. જ્યારે ઘણીવાર તો કોર્પોરેટર્સ પણ પોતના જાણિતા ઓળખીતાને છોડી મુકવા માટે ફોન કરતા હોય છે. જ્યારે આ એક યુનિક કેસ છે.’

આ અંગે ઇમરાને કહ્યું કે, ‘કાયદો બધા માટે સમાન છે આ મેસેજ બધાને દેવા માટે આ પગલું ભરવું પડે તેમ હતું. મારો ભાઈ પાછલા થોડા દિવસથી અહીં બાજુમાં ઉજવવામાં આવેલ લગ્ન પ્રસંગ બાદ સતત જુગાર રમતો હતો. જેથી મે પોલીસને ફોન કર્યો અને જરુરી પગલા ભરવા માટે કહ્યું હતું.’

(6:27 pm IST)