Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

વડોદરામાં ફી ન ભરતા બાળકોને શિક્ષણથી વંચીત રાખવા પ્રયાસઃ બાળકોને ભણાવવાની ના પાડી દેતા વાલીઓએ ૧૮૧ અભયમ ટીમને બોલાવી

વડોદરાઃ વડોદરાની નવરચના સ્કુલમાં સ્કુલ ફી અધિનિયમ મુજબ શાળા સંચાલકોએ અન્યાય કરતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને ૧૮૧ અભયમ ટીમને બોલાવવા છતા પણ શાળા સંચાલકોએ આ ટીમને એક કલાક સુધી બહાર ઉભી રાખતા ભારે રોષ છવાયો છે.

નવરચના સ્કુલના વાલીએ છેલ્લા એક વર્ષથી બાળકોની ફી ન ભરતા સ્કુલ સંચાલકોએ બાળકોને છેલ્લા પાંચ માસથી શિક્ષણથી વંચિત રાખીને સ્કુલમાં પ્રવેશ ન આપવાનો મામલો સામે આવ્યો છે.

નવરચના સ્કુલના સંચાલકોએ ત્રણ બાળકોને ફી ન ભરવાના મામલે સ્કુલ બહાર જ બેસાડી રાખતા વાલીઓએ હંગામો કર્યો હતો. રિતેશ મહંત નામના વાલીના ત્રણ બાળકો નવરચના સ્કુલમાં અભ્યાસ કરે છે જેમને છેલ્લા એક વર્ષથી બાળકોની કુલ 2.48 લાખની ફી ન ભરતા સ્કુલ સંચાલકોએ બાળકોને ભણાવવાની ના પાડી દીધી છે. તેમજ સ્કુલમાં બાળકોને છેલ્લા પાંચ માસથી શિક્ષણથી વંચિત રાખ્યા છે. જેને લઈ વાલીએ આજે સ્કુલ પર પહોચી 181 અભયમને બોલાવી હોબાળો કર્યો હતો. જેના કારણે પોલીસ સ્કુલ પર દોડી આવી હતી. સ્કુલ સંચાલકોએ અભયમની ટીમને એક કલાક સ્કુલ બહાર ઉભા રાખતા પણ વિવાદ થયો હતો.

નવરચના સ્કુલે બાળકોને શિક્ષણથી વંચિત રાખતા વાલીએ ડીઈઓને ફરિયાદ કરી હતી. જેના પગલે શૈક્ષણિક અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા. શૈક્ષણિક અધિકારીએ કહ્યું કે વાલીએ સ્કુલ ફી નથી ભરી તેમજ તેમને ફી માટે આપેલો ચેક પણ બાઉન્સ થયો છે. જેના કારણે સ્કુલે આ નિર્ણય લીધો છે.

મહત્વની વાત છે કે વાલી અને શાળા સંચાલકોના વિવાદને કારણે ત્રણ બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે ત્યારે વાલીએ તાત્કાલીક ફી ભરી પોતાના બાળકોનું ભવિષ્ય ન બગડે તે પગલા લેવાની જરૂર છે તો સ્કુલે પણ બાળકોને ફરીથી સ્કુલમાં એડમીશન આપી પોતાની નૈતિક જવાબદારી બજાવવી જોઈએ.

(6:26 pm IST)