Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગુજરાતમાં ચાર વોટર એરોડ્રોમ ઊભા કરી હવાઇ સેવા શરૂ કરાશે

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં MoU કરવા ની મંજૂરીની દરખાસ્ત કરાશે: સાબરમતી રિવર ફ્રન્ટ અમદાવાદ: કેવડીયા સરદાર સરોવર નર્મદા ડેમ,શેત્રુંજ્ય ડેમ પાલિતાણા અને ધરોઇ ડેમ મહેસાણા: પ્રવાસન-રોજગારીની વધુ તકો ખૂલશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ચાર વોટર એરોડ્રોમના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા સાથે MoU – સમજૂતિ કરાર માટે રાજ્ય મંત્રીમંડળની આવતીકાલ, બુધવારની બેઠકમાં દરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે ભારત સરકારની રિજીયોનલ કનેકટીવીટી સ્કીમ RCS ઊડાન ૩ અને ૪ અંતર્ગત આ ચાર વોટર એરોડ્રોમ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ, સરદાર સરોવર ડેમ, નર્મદા-કેવડીયા, શેત્રુંજ્ય ડેમ પાલિતાણા અને ધરોઇ ડેમ મહેસાણા ખાતે વિકસાવી હવાઇ સેવા શરૂ કરવામાં આવશે.
  આ હેતુસર રાજ્ય સરકારે ૧ થી ર.પ એકર જમીન જરૂરિયાતના આધારે ઉપલબ્ધ કરાવવાની રહેશે. એટલું જ નહિ, ભવિષ્યમાં ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંજૂરી મળ્યેથી અન્ય સ્થળોએ પણ એરોડ્રોમ ઊભા કરીને હવાઇ સેવાઓનો વ્યાપ વિસ્તારવામાં આવશે.
  વોટર એરોડ્રોમ એ ખુલ્લા પાણીનો એક વિસ્તાર છે તેનો ઉપયોગ એમ્ફીબિયસ વિમાન દ્વારા ઉતરાણ અને ઉડાણ માટે થઇ શકે છે. તદુપરાંત, ટ્રાફિકના જથ્થાને આધારે, વોટર એરોડ્રોમમાં કિનારે વિમાનો પાર્ક કરી શકાય છે અને જમીનની બાજુએ ટર્મિનલ બિલ્ડિંગ હોઇ શકે છે.
કેટલાંક ટાપુના દેશોમાં, ખાસ કરીને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ જેવા સમૃદ્ધ દેશોમાં વોટરડ્રોમ્સ છે. ઉપરાંત કેનેડામાં ગ્રેટ સ્લેવ તળાવ પર યલોનાઇફ, વેનકુવર આઇલેન્ડ પર ટોફિનો અને શ્વાટકા તળાવ પર વ્હાઇટહોર્સનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં પણ આ વોટર એરોડ્રોમ સેવા શરૂ થવાથી લોકોને હવાઇ સેવા ઉપલબ્ધ થશે અને પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે. સાથોસાથ રાજ્યમાં રોજગારીની વધુ તકો ઊભી થશે અને કુદરતી આપદા દરમ્યાન આવા વોટરડ્રોમ ઉપયોગી બની રહેશે. આ પ્રોજેકટમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા ઇમ્પ્લીમેન્ટીંગ એજન્સી તરીકે કાર્ય કરશે.
એરપોર્ટ ઓથોરિટી આવા વોટર એરોડ્રોમના વિકાસ માટે માસ્ટર પ્લાનીંગ માટે રાજ્ય સરકારને મદદ કરશે. વોટર એરોડ્રોમ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા વિકસાવશે. એટલું જ નહિ, વોટર નેશનલ હાઇડ્રોગ્રાફીક ઓફિસ આ વોટર એરોડ્રોમ સાઇટનો સર્વે હાથ ધરશે.
ગુજરાત સરકારે ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી અંતર્ગત વોટર એરોડ્રોમ સાઇટ કલીયરન્સ કેન્દ્ર સરકારની વોટર એરોડ્રોમ સંબંધિત સ્ટિયરીંગ સમિતી પાસેથી મેળવવાનું રહેશે.
રાજ્ય સરકાર વોટર એરોડ્રોમનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ કરશે સાથે જ વીજળી, પાણી અને અન્ય સેવાઓ પૂરી પાડશે.
વોટર એરોડ્રોમના વિકાસ માટેની જરૂરી મંજૂરીઓ પણ રાજ્ય સરકારે મેળવવાની રહેશે તેમજ જરૂરિયાત મુજબની જમીન ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ જમીનની માલિકી રાજ્ય સરકાર વતી ડાયરેકટર સિવીલ એવિએશનની રહેશે.

 
(8:03 pm IST)