Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

“સિંઘમ” સ્ટાઈલના ત્રાસથી પ્રજા પરેશાનઃ હવે રાયપુરમાં બે યુવકને ઢોર માર માર્યો

રાયપુર ચકલા પાસે પોલીસે બે યુવકોને માસ્ક નહીં પહેરવા બદલ ગુપ્તભાગે, ગર્દન પર અને શરીરના અન્ય ભાગો પર દંડાથી ફટકાર્

 

અમદાવાદ : અમદાવાદ પોલીસ સિંઘમ સિન્ડ્રોમના કિસ્સા વધી રહ્યા છે. માસ્ક નહિ પહેરનારને પોલીસ દ્વારા માર મારવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા જમાલપુર ચાર રસ્તા પાસે માસ્ક નહિ પહેરનાર યુવાનને પોલીસે માથામાં દંડો મારતા તે બેભાન થઇ ગયો હતો. આ ઘટનાના હજુ પડઘા પડી રહ્યા છે, ત્યાં સોમવારે રાત્રે રાયપુર પાસે વધુ બે યુવકોને પોલીસ ઢોર માર મારતા લોકો અને સમાજના અગ્રણીઓમાં રોષ ફેલાયો છે.

બે દિવસ પહેલાં પોલીસના જુલમનો શિકાર બનેલો જુનૈદ પઠાણ હજુ સિવિલમાં સારવાર લઇ રહ્યો છે. આ મામલે સોમનવારે સાંજે ખાનગી કપડામાં રહેલા પોલીસ કર્મી સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.સોમવારે સાંજે 7 કલાકે થયેલી બીજી એક ઘટનામા રાયપુર ચકલા પાસે પોલીસે બે યુવકોને માસ્ક નહીં પહેરવા બદલ માર માર્યો હોવાની ફરિયાદ થઇ છે.

જેમાં ભોગ બનનારા અનીસ અર્જુન ચુનારાના જણાવ્યા મુજબહું મારા મિત્ર સાથે પિતાની દવા લેવા માટે મેડિકલ સ્ટોરે ગયો હતો ત્યારે ખાડિયા પોલીસ સ્ટેશનની હદમા આવેલ રાયપુર ચકલામાં પીએસઆઇ એમ બી વીરજા તથા ડી સ્ટાફના પોલીસ જવાનોએ માસ્ક ન પહેરવા બદલ મને અને મારા મિત્રને અટકાવ્યો હતો. રાયપુર દરવાજા બહાર જ અમને બેરહેમીથી મારવાનું શરૂ કર્યું હતું. ત્યારે PSIએ કહ્યું હતું કે આ લોકોને અંદર લઇ જઇ બરોબર ફટકારો.

અનીસ અર્જુને જણાવ્યું કે મને ગુપ્તભાગે, ગર્દન પર અને શરીરના અન્ય ભાગો પર દંડાથી ફટકાર્યા હતા. ત્યાર બાદ બંનેને સારવાર માટે પહેલાં વીએસ હોસ્પિટલ લઇ જવાયા હતા. આ ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ભેગા થઈ ગયા હતા.

(7:25 pm IST)