Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

આ વખતે રક્ષાબંધન પર્વમાં કોરોના વિલન સાબિત થશે : ફલાઇટસ બંધ હોવાથી રાખડી મોકલવામાં વિક્ષેપ પડશે : રાખડીની ખરીદી કરતા સ્પીડ પોસ્ટમાં મોકલવાનો ખર્ચ વધી જશે

અમદાવાદઃ આગામી 3જી ઓગસ્ટે રક્ષાબંધન છે. આ વખતની રક્ષાબંધનમાં ભાઇ- બહેન વચ્ચે કોરોના વિલન સાબિત થશે. દેશમાં તો ઠીક પરંતુ વિદેશમાં વસતા ભાઇને તો રાખડી પહોંચાડવામાં પણ તકલીફ ઊભી થઇ શકે છે. કોરોનાના કારણે ફલાઇટો બંધ હોવાથી ઓર્ડીનરી ટપાલો તો મોકલવામાં આવતી જ નથી. સ્પીડ પોસ્ટ પણ માત્ર વંદેભારત મિશન અંતર્ગત જતી એર ઇન્ડિયાની ફલાઇટ અથવા કાર્ગો તેમ જ રાહત ફલાઇટ મારફતે જ મોકલાય છે. વળી પાછું તેમાં પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, સ્પીડ પોસ્ટ મોકલવાનો ખર્ચ રાખડીની ખરીદી કરતાં 200થી 250 ગણો વધુ છે. એટલે કે ઘાટ કરતાં ઘડામણ મોઘી જેવી સ્થિતિ સર્જાઇ છે.

ભારતીય સંસ્કત્તિ પ્રમાણે ભાઇની રક્ષા કાજે ભાઇની કલાઇ પર બહેન રાખડી બાંધે છે. મોટાભાગે બહેનો ભાઇને રૂબરૂમાં રાખડી બાંધતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે ગુજરાતમાં રહેતી બહેનો પણ ભાઇને રૂબરૂ રાખડી બાંધવા આવી શકશે કે કેમ તે અંગે વિકટ પ્રશ્ન છે. તેમાંય દેશના અન્ય રાજયોમાં રહેતી બહેનો માટે તો આ સ્થિતિ અત્યંત વિકટ છે. જ્યારે વિદેશમાં વસતાં ભાઇ માટે તો શક્ય જ બનશે નહીં. જો કે જે બહેનો રૂબરૂમાં ના આવી શકે તે પોસ્ટ મારફતે ભાઇને રાખડી મોકલતી હોય છે. તેના માટે ઇન્ડિયન પોસ્ટ દ્રારા રક્ષાબંધનના પખવાડિયા પહેલાં ખાસ અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. પરંતુ વિદેશમાં વસતાં ભાઇ કે બહેન એકબીજાને રાખડી પણ મોકલી શકે તેવી સ્થિતિ નથી. પરિણામે ડીજીટલ રાખડી મોકલવમાં આવે અથવા તો વીડીઓ કોલ મારફતે માત્ર વાત કરીને જ સંતોષ માનવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે.

આમ તો ઇન્ડિયન પોસ્ટ દ્રારા વિશ્વના 105 દેશોમાં ઇન્ટરનેશનલ એક્સપ્રેસ મેઇલ સર્વિસ ( EMS ) તથા 15 દેશો સાથે ઇન્ટરનેશનલ ટ્રેક પેકેજ સર્વિસ ( ITPS ) સેવા ચાલે છે. પરંતુ વિદેશ જતી ફલાઇટો બંધ છે. માત્ર વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે વંદે ભારત મિશન અંતર્ગત એર ઇન્ડિયાની ફલાઇટો અમૂક દેશોમાં જ જતી હોવાથી પોસ્ટ વિભાગે 35 દેશો પુરતી સેવા ચાલુ રાખી છે. તેમાં પણ કનેકટીવીટી ફલાઇટ ના મળવાના કારણે ઇચ્છે તો નાગરિકો પોતાનું પાર્સલ પાછું મંગાવી શકે છે તેવી શરતો લાદી છે. બીજી તરફ 250 ગ્રામ સુધીના વજનના પાર્સલના 700થી માંડીને 1200 સુધીનો ચાર્જ છે. વજન અને દેશના આધારે ચાર્જ વસૂલ કરવામાં આવે છે. આમ ભાઇ માટે રાખડી અમૂલ્ય છે. પરંતુ રાખડીની કિંમત કરતાં તેને મોકલવાનો ચાર્જ વધુ થાય તેમ છે. એટલે કે ઘાટ કરતાં ઘડામણ મોંઘી જેવો ઘાટ સર્જાય તેમ છે.

(4:51 pm IST)