Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સુરતમાં કોરોનાના કેસની સાથોસાથ હવે મોતના આંકડામાં પણ વધારોઃ એક જ દિવસમાં 16 દર્દીઓનો ભોગ લેવાતા અરેરાટી

સુરત: સુરતમાં કોરોના સતત લોકોને ડરાવી રહ્યું છે. સુરતમાં કોરોનાના કેસની સાથે હવે મોતના આંકડા પણ વધી રહ્યાં છે. સુરતમા મોડી રાત્રે વધુ 10 દર્દીઓના મોત નિપજ્યાં છે. આ સાથે જ એક જ દિવસમાં કુલ 16 દર્દીઓ મોતને ભેટ્યા છે. આજે સુરતમાં 15 અને જિલ્લામાં 1 દર્દીનું મોત નિપજ્યું છે. તો સુરતમાં છેલ્લા 48 કલાકમાં 30 દર્દીઓના મોત નિપજ્યાં છે. આમ, સુરતવાસીઓમાં વધી રહેલા મોતના આંકડાથી સતત ફફડાટ ફેલાઈ રહ્યો છે.

સુરત અશ્વનિકુમાર સ્મશાન ભૂમિના ફોટા ગઈકાલે વાયરલ થયા છે. મૃતદેહને અગ્નિદાહ આપવા લાઈનો પડી રહી છે તેવી આ તસવીરો છે. કોરોના વાયરસ અને અન્ય કારણથી મોત નિપજેલ મૃતદેહોની લાંબી લાઈનો પડી રહી છે. સ્મશાન ગૃહોમાં 2 થી 3 કલાક વેઈટીંગ ચાલી રહ્યું છે.

તો બીજી તરફ, સુરતમાં કોવિડના મૃતદેહ રઝળવાનો મામલામાં એક્શન લેવાયું છે. ડેડબોડી કંટ્રોલ રૂમ બનાવાયો છે. અંતિમક્રિયા માટે અન્ય એજન્સીને કામગીરી સોંપાઈ છે. ફાયર વિભાગની એજન્સી પર દેખરેખ રહેશે. સ્મીમેર અને ખાનગી હોસ્પિટલમાંથી મૃતદેહ લઈ જવાશે.

સુરતમાં બીજા મોટા સમાચાર એ છે કે, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નિલેશ ઉપાધ્યાયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્ય છે. ભાજપના કોર્પોરેટર હિતેશ ગામીતનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. કમિશનર કચેરીના ક્લાર્કની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અગાઉ બે મ્યુ.કર્મચારીનું કોરોનાથી મોત નિપજી ચૂક્યું છે.

(4:48 pm IST)