Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

અત્‍યાર સુધી ઉચ્‍ચ અધિકારીઓને રાજીનામા અંગે મૌખિક જાણકારી આપી છે, ટૂંક સમયમાં લેખીત રાજીનામુ આપીશ, હું બંદુકની નોક ઉપર છું: સુનિતા યાદવનું ફેસબુક લાઇવમાં નિવેદન

સુરત: મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સાથે કરફ્યૂ મામલે પ્રકાશમાં આવેલ મહિલા એલઆર કોન્સ્ટેબલ વિવાદમાં આવી છે. વિવાદ સળગ્યા બાદ સુનિતા યાદવની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં તે પોતે અનેક કાયદા તોડતી જોવા મળે છે. વિવાદ વધતા સુરત પોલીસની વિવાદિત એલ. આર. દ્વારા FB LIVE કરીને ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. ગઈકાલે મીડિયા સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે. ત્યારે સુનિતા યાદવે ફેસબુક પ્લેટફોર્મ પર આવીને ફરીથી વિવાદિત વાતો કરી છે. રાજીનામા અને નિર્ભય કાંડને લઈને સુનિતાએ વિવાદિત વાતો કરી છે, જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

શું કહ્યું ફેસબુક લાઈવમાં....

ફેસબુક લાઈવમાં સુનિતા યાદવે કહ્યું કે, અત્યાર સુધી ઉચ્ચ અધિકારીઓને રાજીનામા અંગે મૌખિક જાણકારી આપી છે, ટૂંક સમયમાં લેખિત રાજીનામુ આપીશ. મારી ઉપર દબાણ નાખવામાં આવી રહ્યું છે. હું બંદૂકની નોક પર છું. આરોગ્ય મંત્રી દ્વારા મીડિયાને ખરીદવાથી મીડિયા સત્ય છુપાવે છે, પણ સત્ય છુપાશે નહિ. શિસ્ત ભંગ થાય આ માટે મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યો નથી. મને ખોટી રીતે રજૂ કરવામાં આવી. મારે રાજકારણમાં આવવું હોય તો ઘણી ઓળખ છે. મારે આઇપીએસ બનવું જ છે. જીવતી રહીશ તો  IPS બનીને લોકોને બતાવીશ. આ તો ખાલી ટ્રેલર છે. ફિલ્મ હજુ બાકી છે. બધા જ ખુલાસા કરીશ. મીડિયાના લોકોએ મને હેરાન કરી. મારા FOP મિત્રે તે દિવસે મારી મદદ ન કરી હોત તો દિલ્હીની નિર્ભયા કાંડની ઘટના જેવી જ  મારી સાથે નિર્ભયા 2 થઈ જાત. અભી ટ્રેલર દેખા પિક્ચર અભી બાકી હૈ. કાલે ખુલાસો કરીશ. હું આવતીકાલે પોલીસ કમિશનર કચેરી જઇ રાજીનામુ આપી અને ફરીથી FB લાઈવ આવીશ.

મહિલા કોન્સ્ટેબલ ટ્રોલ થયા બાદ તેના પર ટિપ્પણી થઈ રહી છે. રાજીનામાની વાત કરનાર સુનિતા ખોટું બોલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મીડિયા દ્વારા કોન્સ્ટેબલનો ઈન્ટરવ્યૂ લેવામાં નથી આવ્યો તેનાથી તે રોષે ભરાઈ છે, અને મીડિયા સાથે વિવાદમાં ઉતરી છે. વિવાદ બાદ સુનિતા પ્રિપ્લાન કરીને હોમગાર્ડ દ્વારા વીડિયો ઉતારાયો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. સુનિતાની અત્યાર સુધી કોઈ પણ ધમકી મળી નથી, તે આ અંગે ફરિયાદ કરી શકી હોત, પણ તેણે ફરિયાદ કરી નથી. બીજી તરફ, તેણે અગાઉ રાજીનામાની વાત કરી હતી, પણ હજી સુધી તેણે રાજીનામુ આપ્યું નથી. એક ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે, સુનિતાએ રોફ મારવા પ્રિપ્લાન કરીને પોતાના સાથી મિત્રને પોતાનો ફોન આપ્યો હતો અને ગાડી રોકીને વિવાદ ઉભો કર્યો હતો. જેથી તે વીડિયો બનાવીને વાહવાહી મેળવી શકે.

આ સાથે જ સુનિતા યાદવ ફેસબુક લાઈવમાં નિર્ભયા કાંડની વાત કરે છે, પણ સુનિતા જ્યા હતી ત્યાં હોમગાર્ડનો અને ત્યાંથી 50 મીટર દૂર પોલીસનો પણ બંદોબસ્ત હતો. તેથી તેની સાથે નિર્ભયા જેવી ઘટના બને તે અશક્ય હતું. ત્યારે હવે સુનિતા યાદવના નિવેદનો પર સવાલો ઉભા થઈ રહ્યાં છે.

(4:44 pm IST)