Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગુજરાતમાં હાઇકોર્ટમાં થોડા દિવસો માટે જરૂરી કેસોની સુનાવણી જ ચાલશે

અત્યાર સુધીમાં હાઇકોર્ટના ૧૭ કર્મચારી કોરોના પોઝીટીવ

રાજકોટ તા. ૧૪ :.. ગુજરાત હાઇકોર્ટમાં અત્યાર સુધીમાં ૧૭ કર્મચારીઓનો કોરાના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. જેના પગલે હાઇકોર્ટે અત્યંત જરૂરી હોય તેવા જ કેસોની સુનાવણી કરાશે તેવું જાહેર કર્યુ છે.

સોમવારે જાહેર થયેલ પરિપત્ર મુજબ વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને હાઇકોર્ટે તા. ૧પ થી ૧૭ જૂલાઇ એમ ત્રણ દિવસ માટે અરજન્ટ અને જરૂરી હોય તેવા કેસોની સુનાવણી જ હાઇકોર્ટ દ્વારા કરાશે.

પરિપત્રમાં જણાવાયુ છે કે, હાલમાં હાઇકોર્ટ કોરોના મહામારીનો સામનો કરી રહી છે. કોરોનાની વાસ્તવિકતાને અવગણી શકાય નહિ. ભવિષ્યમાં પણ કોરોનાને ધ્યાને લઇને જ કાર્યવાહી કરવામાં આવશે. ૭ જુલાઇ સુધી હાઇકોર્ટના સાત કર્મચારી કોરોનાની ઝપટમાં આવી ગયા હતા જેના કારણે ત્રણ દિવસ માટે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

હાલના કોરોના પોઝીટીવની સંખ્યા ૧૭ ની થઇ છે. રજીસ્ટ્રી વિભાગમાં કામ કરતાં કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવે છે. વર્તમાન સમય જોતા સંક્રમિતની સંખ્યા વધે તેમ હોય આગળ કેટલાંક દિવસે માટે અલગ કાર્ય પધ્ધતિ અપનાવવામાં આવી છે. પરિપત્રની સુચના મુજબ, જામીન અરજી, પેરોલ-ફર્લો, તેમજ અરજન્ટ સીવીલ કેસોની કાર્યવાહીની સુનાવણી જ કરાશે.

(4:25 pm IST)