Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

દેશભરમાંથી લકઝરી કારો ઉઠાવી ગુજરાતમાં વેચાણ કરવાના ષડયંત્રનો વડોદરા પોલીસ દ્વારા પર્દાફાશ

પોણો ડઝનથી વધુ કારો કબ્જેઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં પીસીબી પીઆઇ રાજેશ કાનમીયા ટીમને જબ્બર સફળતા

રાજકોટ, તા., ૧૪: દેશના વિવિધ રાજયોમાંથી લકઝરી કારો ઉઠાવી તેના ચેસીસ નંબર તથા નંબર પ્લેટ સાથે ચેડા કરી ગુજરાતભરમાં વેંચાણ કરવાનાં કારસ્તાનનો પર્દાફાશ વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. અંદાજે બે કરોડથી વધુ રકમની કારો જપ્ત કરવામાં આવ્યાનું બહાર આવતા રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે.

વડોદરાનાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા પીસીબી પીઆઇ રાજેશ કાનમીયા સમક્ષ વડોદરામાં લકઝરીયસ કાર સસ્તા ભાવે વેચાઇ રહયાની વિગતો પહોંચતા પોલીસ કમિશ્નર દ્વારા પીસીબી પીઆઇને આ મામલાની તપાસ ભારે સાવચેતીપુર્વક કરવા અને કોઇને ગંધ શુધ્ધા ન આવે તે રીતે કરવા માટે આપેલ સુચના આધારે પીસીબી ટીમો વિવિધ કાર દલાલો તથા કારબજાર વિ.સ્થળે પહોંચી હતી.

દરમિયાન પીસીબી તપાસ દરમિયાન આકોટા પંથકનાં તરૂણ નાથાણી નામના યુવાનનું નામ સપાટી પર આવેલ. યોગાનુયોગ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સમક્ષ પણ આજ અર્થાત તરૂણ નાથાણી નામના શખ્સ પાસે મોટા પ્રમાણમાં લકઝરીયસ કાર આવતી હોવાની માહીતી સાંપડતા જ તરૂણ નાથાણીને પકડવા વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન શકીલ રહે. રાજસ્થાન અને ગુડુ અન્સારી રહે. અમદાવાદ નામો ખુલેલ.

આરોપી શકીલ રાજસ્થાન તેમજ દિલ્હીમાં અલગ-અલગ જગ્યાએથી મોંઘી લકઝરીયસ કારની ચોરી કરતો અને ગુડુ અંસારીને ફોનથી જાણ કરતો અને ગાડીના ફોટા મોકલતો હતો ત્યાર બાદ ગુડુ અંસારી તે ગાડી લેવા માટે રાજસ્થાન કે દિલ્હી જતો અને સદર ગાડીના ખોટા ડોકયુમેન્ટ બનાવતો હતો અને ડોકયુમેન્ટ બનાવ્યા બાદ વડોદરા શહેર ખાતે રહેતા તરૂણ નાથાણીને આપી દેતા જેથી તરૂણ નાથાણીનાઓ ગાડીને ફરજી ડોકયુમેન્ટ આધારે વેચી દેતો અને ગુનો કરતા.

પોલીસે જે ગાડીઓ કબ્જે કરી છે તેમાં ટોયાટા ફોર્ચ્યુનર ગાડી નંગ ર કિ. ૭ર,૦૦,૦૦૦, ઇનોવા ક્રીસ્ટા નંગ ર કિ. ૪૪,૦૦,૦૦૦, ફોર્ડ એન્ડેવેયર નંગ-૧ કિ. રૂ.૩૪,૦૦,૦૦૦, હુન્ડાઇ કેટા નંગ-૧ કિ. રૂ. ૧૭,૦૦,૦૦૦, હોન્ડા સીટી નંગ -૧ કિ. રૂ. ૧૩,૦૦,૦૦૦, હુન્ડાઇ આઇ ર૦ અસ્ટા નંગ-૧ કિ. ૮,૦૦,૦૦૦ કુલ ગાડી નંગ ૮ કુલ કિ. રૂ. ૧,૮૮,૦૦,૦૦૦ (એક કરોડ અઠયાસી લાખ પુરા) નો સમાવેશ છે.

કઇ ગાડી કયાંથી ચોરી કરી તેની તપાસમાં (૧) સફેદ કલરની ટોયોટો ફોર્ચ્યુનર કાર નંબર પ્લેટ વગરની સદર કાર દિલ્હીથી ચોરી કરેલ છે જે બાબતનો ગુનો દિલ્હી સદરગંજ પો.સ્ટે.માં નોંધાયેલ છે. (ર) સફેદ કલરની હુન્ડાઇ કેટા ક્રેટા કાર નંબર પ્લેટ નથી તે કાર દિલ્હી ખાતેથી ચોરી થયેલ છે જેનો ગુનો દિલ્હી ખાતે કલકાજી પો.સ્ટે. ખાતે નોંધાયેલ છે. (૩) સિલ્વર કલરની ઇનોવા ક્રીસ્ટા જેનો રજી નંબર ડીએલ-સીએ-૬૮૦૮ જે કાર દિલ્હી ખાતેથી ચોરાયેલ છે જે બાબતનો ગુનો પ્રીત વિહાર પો.સ્ટે.ખાતે નોંધાયેલ છે. બાકીની ગાડીની ચોરી બાબતે તપાસ ચાલુ છે. પીસીબી પોલીસ ઇન્સ્પેકટર આર.સી.કાનમીયા પો.સ.ઇ. એ.ડી.મહંત, પો.સ.ઇ. આર.ડી.બામણીયા, એ.એસ.આઇ. હરીભાઇ, હેકો દિપેશસિંઘ, પો.કો. ભરતસિંહ એ.એસ.આઇ. કાર્તિકસિંહ જાડેજા, હે.કો. મનોજભાઇ, હે.કો. કુલદીપભાઇ, હે.કો. સુરેશભાઇ, હે.કો. દેવેન્દ્રભાઇ, પો.કો. ક્રીપાલસિંહ, પો.કો. રાકેશભાઇ, હે.કો. પરબતભાઇ, પો.કો. અલ્પેશભાઇ વિ. કાર્યરત બનેલ.

(2:49 pm IST)