Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કોવીડ-૧૯ ગુજરાતનાં લોકોની સમજદારી નિખરીઃ પોલીસની માનવતાવાદી છબી પણ લોકોમાં ઉપસી

ઉચ્ચકક્ષાના સેમીનારમાં રાજયનાં લો એન્ડ ઓર્ડરનાં વડા નરસિમ્હા કોમાર દ્વારા કોવીડ-૧૯ની પરિસ્થિતિના સમીક્ષા સેમીનારમાં રજુ થયેલ તારણ દરેક ગુજરાતી કે ગુજરાતમાં રહેતા લોકો-પોલીસ માટે ખુબ જ જાણવા-માણવા લાયક છે

રાજકોટ, તા., ૧૪: લો એન્ફોર્સમેન્ટ ચેલેજીંસ કોવીડ-૧૯ પેડેમીક અંતર્ગત યોજાયેલ ઉચ્ચકક્ષાનાં સેમીનારમાં રાજયનાં  લો એન્ડ ઓર્ડરના વડા નરસિમ્હા કોમાર દ્વારા દેશના અન્ય ભાગો કરતાં ગુજરાતમાં લોકડાઉન દ્વારા ઘરેલું હિંસાના બનાવો નામ પુરતા જ બન્યાનું રસપ્રદ તારણ રજુ કરી ગુજરાતનાં લોકોની સમજદારી તથા ગંભીર પરિસ્થિતિ વખતે વિચલીત ન થવાની આગવી સ્ટાઇલની મ્હોંફાટ વખાણ કર્યા હતા.

તેઓએ આ સંદર્ભમાં જણાવેલ કે, કોઇ પણ સુસંસ્કૃત સમાજ માટે લો-એન્ફોર્સમેન્ટ એક મહત્વનું પરીબળ છે. કોવીડ-૧૯ ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાને કઇ રીતે અસર કરશે તેઓનો આગોતરો અભ્યાસ કરી તેનું આયોજન કરવું આવશ્યક હોવા પર ખાસ ભાર મુકેલો.  આઇજીપી નરસિંમ્હા કોમારે ગર્વપુર્વક જણાવેલ કે કોવીડ-૧૯ની પરિસ્થિતિ દરમ્યાન જે રીતે મેડીકલ-આરોગ્ય-પુરવઠા અને લેબર વિભાગે મહત્વપુર્ણ ભુમીકા ભજવી તેમાં ગુજરાત પોલીસ પણ યશસ્વી ભુમીકા ભજવવામાં સફળ રહી.

લોકડાઉનના ચુસ્ત અમલ માટે પોલીસ  કપરાકાળમાં રોડ ઉપર રાઉન્ડ ધ કલોક ફરજ બજાવવા સાથે જરૂરીયાતમંદ લોકો જેવા કે સિનીયર સીટીઝનોના ઘેર દવા, ફ્રુટની વ્યવસ્થા ગોઠવી. જરૂરીયાતમંદ લોકોને અનાજની કીટો આપી, રાહત રસોડા ચલાવ્યા અને જેમાં સ્વૈચ્છીક સંસ્થાઓએ પણ પોલીસ સાથે ખભ્ભે ખભ્ભા મિલાવ્યા. આને કારણે લોકોમાં પોલીસની છાપ માનવતાવાદી તરીકે પણ પ્રકાશીત થઇ તેમાં બે મત નથી.

(2:49 pm IST)