Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સૌરાષ્ટ્ર - ગુજરાતમાં બે - ત્રણ દિ' વરસાદી માહોલ

મુંબઈ - મહારાષ્ટ્રમાં અમુક ભાગોમાં મુશળધાર વરસશે : દ્વારકા ૪૩૯, જામનગર ૨૩૬, કચ્છ ૨૦૫ અને પોરબંદરમાં સામાન્યથી ૧૭૪ ટકા વધુ વરસાદ નોંધાયો

સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર આછા વાદળો : હળવાથી મધ્યમ વરસાદની આગાહી : રાજકોટ : ઈન્સેટ તસ્વીરમાં આછા વાદળો જોવા મળે છે. હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવી દિલ્હી : ફરી વરસાદી સિસ્ટમ્સ સક્રિય બની છે. આગામી બે - ત્રણ દિવસ દેશના અનેક ભાગોમાં વરસાદની શકયતા હોવાનું વેધરની સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયુ છે. સૌરાષ્ટ્ર - ગુજરાતમાં મેઘાવી માહોલ તો મુંબઈ - મહારાષ્ટ્રના અમુક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.

અત્યાર સુધી દેશભરમાં સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં મધ્યપ્રદેશમાં સામાન્યથી ૯૪ ટકા વધુ, ગુજરાતના પૂર્વ ભાગોમાં સામાન્યથી ઓછો જયારે સૌરાષ્ટ્ર - કચ્છમાં સામાન્યથી ૧૨૨ ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દ્વારકામાં સૌથી વધુ ૪૩૯ ટકા, જામનગર ૨૩૬ ટકા, કચ્છમાં ૨૦૫, પોરબંદરમાં ૧૭૪ ટકા સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે.

જયારે મધ્ય મહારાષ્ટ્રમાં ૯૭ ટકા વધુ વરસાદ થયો છે. મુંબઈમાં પણ ૨૨ ટકા સામાન્યથી વધારે વરસાદ નોંધાયો છે.

સ્કાયમેટ જણાવે છે કે આજથી ૧૬ જુલાઈ સુધી મધ્ય ભારતમાં ખૂબ સારો વરસાદ પડશે. મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત તેમજ દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં પણ સારા વરસાદની સંભાવના છે. રાજસ્થાનમાં આજે હળવાથી મધ્યમ, કાલે કોટા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

મુંબઈ, પુણે, કોંકણ, મધ્ય મહારાષ્ટ્રના અમુક ભાગોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. ૧૬મી સુધી મહારાષ્ટ્રના અંદરના ભાગોમાં પણ સંભાવના છે.

ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તાર અને કચ્છમાં વધુ વરસાદની સંભાવના નથી. ઉત્તર પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની શકયતા નથી. અમદાવાદ, ગાંધીનગર, બરોડામાં પણ વરસાદ પડી શકે છે. આગામી બે - ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના રહેલી છે.

(12:48 pm IST)