Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

અમદાવાદમાં પ્રવેશવાના તમામ એન્ટ્રી પોઈન્ટ પર મનપાની આરોગ્ય ટીમ તૈનાત : બહારથી આવનારનો થશે કોરોના ટેસ્ટ

શહેરમાં પ્રવેશતા તમામ ખાનગી વાહનોનું પણ ખાસ ચેકિંગ અને સ્ક્રિનિંગ

અમદાવાદ: ગુજરાતમાં ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડ 900થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા હતા જયારે  અમદાવાદમાં સંક્રમિતોની સંખ્યા સતત ઘટી રહી છે. જુલાઈ મહિનાની શરૂઆતથી જ અમદાવાદમાં પોઝિટિવ કેસો સતત ઘટી રહ્યાં છે. આથી હવે ફરીથી શહેરમાં સંક્રમણ વધુ ના ફેલાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે 

 ગુજરાતના અન્ય ભાગોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, પરંતુ અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ કોરોના પોઝિટિવ કેસ 200ની નીચે જ આવે છે. આથી હવે અન્ય શહેરોમાંથી સંક્રમિતો આવે અને શહેરમાં સંક્રમણ ના ફેલાય તે માટે શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર આરોગ્ય ટીમને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી હવે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રવેશવાના તમામ એન્ટ્રી પોઈન્ટ અને બસ મથકો પર કોવિડ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ રહી છે.

આ સિવાય શહેરમાં પ્રવેશતા તમામ ખાનગી વાહનોનું પણ ખાસ ચેકિંગ અને સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જણાય, તો તેમના શહેરમાં પ્રવેશ પર રોક લગાવવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના રાણીપ અને ગીતા મંદિર એસટી બસ સ્ટેશન ખાતે પણ બહારથી શહેરમાં પ્રવેશતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ અહીં બહારથી આવનારી બસોના મુસાફરોનો કોરોના ટેસ્ટ કરે છે. જો તેમને રિપોર્ટ પોઝિટિવ આવે, તો તેમને હોમ ક્વોરેન્ટાઈન માટે કહેવામાં આવી છે. જ્યારે કેટલાકને હોસ્પિટલમાં પણ મોકલવામાં આવી રહ્યાં છે.

અમદાવાદમાં અત્યાર સુધી 23 હજારથી વધુ કોરોના સંક્રમિતો સામે આવી ચૂક્યા છે. જ્યારે કોરોનાના કારણ 1500થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

(12:03 pm IST)