Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

મંત્રીના પુત્ર પાસે નેઈમપ્લેટ ઉતરાવનાર સુનિતા યાદવના પિતા પોલીસ લખેલી ગાડી લઈને ફરે છે

સોશિયલ મિડિયાની એક ટીમ સતત તેની વાતોને વાઈરલ કરી રહી છે !!?

સુરતઃ રાજ્યના મંત્રી કુમાર કાનાણીની ગાડી લઇ મિત્રોના બચાવમાં ગયેલા પુત્ર પ્રકાશ પર સુનિતા યાદવે એક મંત્રીનો પુત્ર પિતાની ગાડી લઈને જાય તો એમએલએ લખેલું બોર્ડ હટાવી દેવું જોઈએ. તેમ કહ્યું હતું  તેણે કુમાર કાનાણીને પણ એ વાત કહી હતી. જોકે બે દિવસ બાદ હવે ખુદ સુનિતા ભિંસમાં મુકાઈ છે, કારણ કે ખુદ સુનિતાના પિતા પોલીસ લખેલી ગાડી લઇને ફરે છે. જ્યારે રાજીનામુ આપી દીધાની જાહેરાત છતાં તેણે હજુ હોદ્દો છોડ્યો નથી. સાથે સોશિયલ મીડિયમાં ચમકવા માટે એક આખી ટીમ તેની વાતો વાયરલ કરી રહ્યાનું કહેવાય છે.

આ અંગે સોશિયલ મીડિયામાં બે ફોટા વાઈરલ થયા છે. જેમાંથી એકમાં સુનિતા પોતાના પિતા સાથે ઉભેલી દેખાય છે, બેકગ્રાઉન્ડમાં ફોરવ્હીલ કાર છે. જેમાં પોલીસ લખેલું બોર્ડ મુકવામાં આવ્યું છે. આ ફોટો સાથે બીજો એક ફોટો પણ વાઈરલ થયો છે, જેમાં આ કારની વિગત છે, જે મદનલાલ નામના વ્યક્તિની છે, જે તેના પિતા છે, આમ કુમાર કાનાણીના પુત્રને એમએલએનું બોર્ડ કઢાવવાનું કહેનારી સુનિતાને પોતાના પિતાની કારમાં પોલીસનું બોર્ડ કેમ લગાવવા દીધો, તેવા સવાલ હવે સોશિયલ મીડિયામાં ઉઠી રહ્યા છે.રાજ્યના મંત્રીના પુત્ર સાથે વિવાદ કરી ચર્ચામાં આવેલી સુરતની લોકરક્ષક સુનીતા યાદવ પોતાનું રાજીનામું આપવા માંગે છે તેવી વાતો ફેલાવી રહી છે, પરતું હકિકત તેનાથી ઉલટ છે, આજે તે સુરત પોલીસ કમિશ્નરને મળી હતી, પરતું રાજીનામું આપ્યું ન હતું. બીજી તરફ એવી પણ વાત સામે આવી રહી છે, સોશિયલ મીડિયામાં બનાવવામાં આવેલા ટ્વીટર એકાઉન્ટ તેના નથી.

 

 

“નેતાઓની ગુલામી ભ્રષ્ટ સિસ્ટમનાં કેટલાંક કર્મચારીઓએ મન ભરીને કરી છે, કેમ કે તેમને સ્વાભિમાન અને વર્દીની રક્ષા કરતા પૈસા વધુ ગમે છે. આ જ ભ્રષ્ટ અને કમજોર સિસ્ટમનાં કારણે નેતા એક સારા કર્મચારીઓને માપી રહ્યાં છે પરંતુ અમે ઝૂકવાવાળા નથી.” આવા શબ્દો સુનીતા યાદવના કથિત કહેવાતા ટ્વીટર એકાઉન્ટનાં છે, જોકે હજુ સુધી એક સ્પષ્ટ નથી કે આ એકાઉન્ટ ખરેખર સુનિતાનું છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ તેને ઓપરેટ કરે છે. સુરતના વરાછાના ધારસભ્ય કુમાર કાનાણીના પુત્ર, પોલીસ ઇન્સ્પેક્ટર અને ખુદ મંત્રી સાથેની વાતચીતનો વિવાદિત ઓડિયો વાઈરલ કરી ચર્ચામાં આવેલી સુરત શહેર પોલીસના હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી લોકરક્ષક સુનિતા યાદવ પોતાને સતત સોશિયલ મિડીયામાં છવાયેલી રહેવા માટે પ્રયાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ મિડિયાની એક ટીમ સતત તેની વાતોને વાઈરલ કરી રહી છે. બીજી તરફ એવો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે, કે સુનિતાએ રાજીનામું આપી દીધું છે પરતું પોલીસ વિભાગ સ્વીકારતો નથી. પરતું વાસ્તવમાં સુનિતાએ હજુ રાજીનામું આપ્યું જ નથી, તો સ્વીકારવાનો સવાલ જ ક્યાંથી ઉભો થાય.

રવિવારે સુરતના પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટને પોતાનું રાજીનામું આપવાની જીદ કરી તાયફો કરનારી સુનીતાએ પોલીસ સાથે પણ જીભાજોડી કરી ગેરવર્તણુક કરી હતી હતી. એટલું ઓછું હોય ત્યાં મીડિયા સાથે પણ એક તબક્કે હાથાપાયી કરવા માટે તૈયાર થયેલી સુનિતા સોમવારે સવારે પોલીસ કમિશ્નરને મળવા માટે આવી હતી. જોકે મીડિયાકર્મીઓ સાથે અભદ્ર અને અશોભનીય વર્તન કરનારી સુનીતાએ સોમવારે પણ તેનું મીડિયા કવરેજ થાય તે માટે પ્રયાસ કર્યા હતાં પરતું સુરતના મીડિયાકર્મીઓ દ્વારા તેનો એક ફોટો સુદ્ધા ખેંચવામાં આવ્યો હતો.

 સોમવારે બપોરે સુનિતા પોલીસ કમિશ્નરને મળવા માટે પહોંચી હતી. લગભગ ગણતરીની મિનિટમાં જ તે પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટને મળીને નીકળી ગઈ છે. જોકે ત્યાં શું વાતચીત થઇ છે, તે જાણી શકાયું નથી, પરતું પોલીસ વિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોતાનો પક્ષ તે પોલીસ કમિશ્નર સમક્ષ મૂકી રહી હતી, જોકે પોતે રાજીનામું આપવા માંગે છે તેવી ડંફાસ મારતી સુનિતાએ પોલીસ કમિશનરને રાજીનામું આપ્યું ન હતું. ત્યારે ચર્ચા એ છે કે આ બધું એક નાટક છે, અને સુનિતાને કેટલાક લોકોના સપોર્ટથી આ આખો ખેલ રચાય રહ્યો છે, તેવી પણ કહેવામાં આવી રહ્યું છે.

(10:57 pm IST)