Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

હાથીજણ : ગેસ લીકેજના લીધે વિનાશક આગથી ૪ દાઝી ગયા

ગંભીર રીતે દાઝેલાઓને હોસ્પિટલમાં ખસેડાયા : ગેસ લીકેજ બાદ વહેલી સવારે પતિએ ઉઠીને લાઇટ કરી તો અચાનક સ્પાર્ક થઇ ધડાકાની સાથે આગ ફાટી નીકળી

અમદાવાદ, તા.૧૪ : શહેરમાં ગેસ લીકેજના કારણે ઘણા ગંભીર બનાવો અને દુર્ઘટના સર્જાઇ ચૂકી છે પરંતુ તંત્ર દ્વારા હજુ આ મામલાને એટલો ગંભીરતાથી લેવાતો નથી, જેના કારણે શહેરમાં આજે આવી જ એક ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી. શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલ વિનોબાભાવે નગરના એક મકાનમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થતાં પતિ પત્ની અને બે બાળકો ગંભીર રીતે દાઝી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મોડી રાતથી ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતો હતો. વહેલી સવારે જ્યારે પતિએ ઊઠીને લાઇટ કરવા માટે સ્વિચ પાડી ત્યારે એકદમ સ્પાર્ક થતાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી અડોશપડોશના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે દાઝી ગયેલા પતિ પત્ની અને બે બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, હાથીજણ વિસ્તારમાં આવેલ વિનોબા ભાવે નગરના બ્લોક નંબર ૧૭માં દીપકભાઇ રામસ્વરૂપ પટેલ (ઉ.વ ૩૩), તેમની પત્ની સીમા પટેલ (ઉ.વ ૨૭), અને બે બાળકો હિમાંશુ (ઉ.વ ૫) પ્રિયાશું (ઉ.વ ૩) સાથે રહે છે. આજે વહેલી સવારે દીપકભાઇએ ઊઠીને લાઇટ ચાલુ કરવા માટે સ્વિચ પાડી ત્યારે એકાએક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસનાં મકાનોમાં પણ તેની અસર સર્જાઇ હતી. દીપકભાઇના મકાનમાં થયેલા બ્લાસ્ટના કારણે આખો પરિવાર આગની ઝપેટમાં આવી ગયો હતો. બ્લાસ્ટ થતાંની સાથે સ્થાનિકો દોડી આવ્યા હતા અને આગની ઝપેટમાં આવી ગયેલા દીપકભાઇ, સીમા તેમજ હિમાંશુ અને પ્રિયાશુંને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર માટે ખસેડાયેલા દીપકભાઇ તેમજ સીમાની હાલત અત્યંત નાજુક હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. ઘટનાની જાણ પોલીસ તેમજ ફાયરબ્રિગેડને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ મકાનમાં લાગેલી આગ કાબૂમાં લીધી હતી જ્યારે પોલીસે આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતો હતો. મકાનની તમામ દરવાજા બંધ હોવાના કારણે આખા ઘરમાં ગેસ ભરાઇ રહ્યો હતો. વહેલી સવારે દીપકભાઇ ઉઠ્યા ત્યારે તેમને લાઇટ ચાલુ કરવા માટે સ્વિચ પાડી હતી. સ્વીચ પાડતાંની સાથે જ સ્પાર્ક થયો અને મકાનમાં ભરાઇ રહેલા ગેસના કારણે એકદમ બ્લાસ્ટ થયો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લાસટ એટલો પ્રચંડ હતો કે જાણ કોઇ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે અડોશપડોશના મકાનમાં પણ તેની અસર સર્જાઇ હતી. બ્લાસ્ટના કારણે દીપકભાઇ ૧૦૦ ટકા દાઝી ગયા છે ત્યારે સીમા ૯૦ ટકા દાઝી ગઇ છે. હાલ વટવા જીઆઈડીસી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બીજીબાજુ, હોસ્પિટલમાં સારવાર હેઠળ  પરિવારના સભ્યોની હાલત ગંભીર મનાઇ રહી છે.

(9:07 pm IST)